મૈત્રીભાવનું પવિત્ર ઝરણું
આજે ઇતિનું ધ્યાન કોઈ વાતમાં કે મસ્તીમાં નહોતું, આજે તો તે અનિકેતની ચોકીદાર હતી, તેણે તેનું ધ્યાન રાખવાનું હતું
‘એક વાર ના પાડી ને કે તારે ઊઠવાનું નથી.’ બાર વર્ષની ઇતિ સત્તાવાહી અવાજથી અનિકેતને ધમકાવી રહી હતી. અનિકેતને ચાર દિવસથી તાવ આવતો હતો. સૂઈ સૂઈને સ્વાભાવિક રીતે જ કંટાળી ગયો હતો અને હવે તેને બહાર રમવા જવાની ઇચ્છા થતી હતી, પણ આ ઇતિ જોને, તેના કડક ચોકી પહેરામાંથી છટકવું ક્યાં આસાન હતું? સ્કૂલમાં વેકેશન હતું અને વેકેશનમાં આમ સૂઈ રહેવું ક્યા કિશોરને ગમે? તેની મમ્મી સુલભાબહેન થોડા દિવસ માટે બહારગામ ગયાં હતાં. ઘરમાં બાપ-દીકરો એકલા હતા અને ત્યાં આ તાવ. તેના પપ્પા મુંઝાઈ ગયા હતા, પણ ઇતિનું કુટુંબ બાજુમાં હતું. તેથી ખાસ ચિંતા નહોતી અને વેકેશન હોવાથી ઇતિ પણ આખો દિવસ ઘરમાં જ હતી. ઇતિની મમ્મી આંટાફેરા કર્યા કરતી. જમવાનું તો આમ પણ વરસોથી એકબીજાની ગેરહાજરીમાં એકબીજાને ત્યાં જ ગોઠવાતું. તેથી એવો કોઈ પ્રશ્ન નહોતો.
આજે તાવ વધારે હોવાથી ઇતિને તેની મમ્મીએ અનિકેતને કપાળે પોતાં મૂકવા બેસાડેલી અને ઇતિ પૂરી જવાબદારીથી પોતાની ડ્યૂટી બજાવતી હતી. માતૃત્વનો ઝરો બાર વરસની ઇતિમાં ફૂટી નીકળ્યો હતો. અનિકેતને દવા આપવાનો સમય થયો છે કે કેમ તે જોવા પોતાં મૂકતી ઇતિ પાંચ પાંચ મિનિટે દીવાલ ઉપરની ઘડિયાળમાં જોતી રહેતી હતી. જરાયે મોડું ન થવું જોઈએ. આજે તેનું ધ્યાન કોઈ વાતોમાં, કોઈ મસ્તીમાં નહોતું. આજે તો તે અનિકેતની ચોકીદાર હતી. તેણે અનિકેતનું ધ્યાન રાખવાનું હતું. કંઈ ઓછી જવાબદારી હતી? અને અનિકેત તો કંઈ સમજતો જ નહોતો. તાવ હોય તો સૂતું રહેવું જ જોઈએને? અને સમયસર દવા તો પીવી જ પડેને? અનિકેત તેની ઉપર કૃત્રિમ ગુસ્સો કર્યા કરતો હતો, પણ ઇતિ કંઈ એવી પરવા કરે તેમ ક્યાં હતી? અનિકેત ગમે તેટલા નખરા ભલેને કરે, પણ ઇતિ પાસે તેનું થોડું ચાલવાનું હતું?
અનિકેતના મોં પર હાથ મૂકી ઇતિ દાદીમાની જેમ તેને ધમકાવી નાખતી. ‘મોં બંધ. ડોક્ટરે બહુ બોલવાની ના પાડી છે. તારે આરામ કરવાનો છે.’
‘હા તને તો ખીજાવાની મજા પડી ગઈ. એકવાર સાજો થવા દેને, પછી જો.’ ‘પછીની વાત પછી. મમ્મીએ મને તારું ધ્યાન રાખવાનું કહ્યું છે. ચાલ, ચૂપચાપ દવા પી લે.’
અને ચમચીમાં દવા કાઢી ઇતિ ધીમેથી અનિકેતના મોંમાં દવા ખોસી દેતી. અનિકેત ગમે તેટલું કટાણું મોઢું ભલે કરે, પણ તેને ખબર હતી કે દવા તો પીવી જ પડશે. આ ઇતિ કંઈ તેને છોડે તેમ નથી. તેની પાસે પોતાનું કંઈ ચાલવાનું નથી. અનિકેતે ગુસ્સામાં દવા તો પીધી પણ પોતાના ભીના હાથ ઇતિના ફ્રોકથી લૂંછવાનું ભૂલ્યો નહિ. કૃત્રિમ રોષથી ઇતિ કહે, ‘ચાલ, હવે ચૂપચાપ સૂઈ જવાનું છે.’
‘કેમ કંઈ તારી દાદાગીરી છે? તું કહે ત્યારે મારે સૂઈ જવાનું? હું નહિ ચલાવી લઉં જા.’
અત્યારે અંકલે અને મમ્મીએ મને તારું ધ્યાન રાખવાનું કહ્યું છે. એટલે હું કહું એમ તારે કરવાનું.’ ઇતિએ ફરી રોફ છાંટ્યો.
‘તું કહે ત્યારે મારે સૂવાનું, તું કહે ત્યારે મારે દવા પીવાની, તું કહે એ જ મારે ખાવાનું. બધું તું કહે તેમ કરવાનું. તારી દાદાગીરી નહિ ચલાવું.’
‘બધું ચલાવવું પડે.’
‘પણ તું તો મને થોડી વાર પણ ઊભો નથી થવા દેતી.’ ઇતિને દયા આવી ગઈ. ‘ચાલ આમાંથી કઈ વાર્તા વાંચું? તું આંખ બંધ કરીને સાંભળ.’
‘ના, વાર્તા નહિ. આપણે રોજ સ્કૂલમાં ગાઈએ છીએ. તે પ્રાર્થના ગા. મને એ બહુ ગમે છે.’
કહ્યાગરા છોકરાની માફક અનિકેતે આંખો બંધ કરી દીધી અને ઇતિના હાથ અનાયાસે અનિકેતના વાળમાં ફરતા ગયા અને ગળામાંથી સ્વરો ગૂંજી ઊઠ્યા.
‘મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે,
શુભ થાઓ આ સકલ વિશ્ચનું એવી ભાવના નિત્ય રહે..’
ઇતિના મોં પર એક દિવ્ય આભા છવાઈ રહી અને એક પછી એક પ્રાર્થના સરતી રહી. વચ્ચે વચ્ચે અનિકેત આંખ ખોલી છાનોમાનો ઇતિને જોઈ લેતો. ઇતિ કંઈ બોલ્યા સિવાય અનિકેતની આંખો પર હાથ મૂકી દે અને પ્રાર્થના આગળ સરતી રહે. ઇતિના ગળામાંથી આ ક્ષણે પણ એ સ્વરો વરસો બાદ આપમેળે ગૂંજી ઊઠ્યા. એકાદ ક્ષણ તે ચોંકી ગઈ, પણ એ સમાધિમાંથી બહાર આવવું તેને ગમ્યું નહિ. ફરીથી આંખો બંધ થઈ.
બે દિવસ પછી હોળી હતી. અનિકેતનો તાવ તો ઉતર્યો હતો, પરંતુ હજુ બહાર જવાય તેવી શક્તિ આવી નહોતી. ચોકીદાર બેઠો હોય ત્યારે તો જવાનો કોઈ સવાલ જ નહોતો.
‘ઇતિ, આજે હવે મને તાવ પણ નથી અને કાલે સારું થઈ જશે. પછી આપણે રંગ લઈને રમવા જઈશુંને?’
ક્રમશ:
0 comments: