કાળા કાળા પાણા ઉપર ચકલાઓના ચાળા મહેલોથી યે ઉંચા ઉંચા મુરઘીઓના માળા બગાસાનાં ખંડેરોમાં ઉભા કરોળિયાના ઝાળા વાહ રે ઉપરવાળા તારા શુન્યોના સરવાળા
We Are Looking for Contributors for this Blog if you have any Your Personal Post or Other Good post and like to contribute You're most welcome Here Kindly Mail me At patel.Nishad007[at]Gmail.com or Comment here with Your Details.
Note:- Now you can share and copy paste all contents of the website Your Support is Highly Appreciated Thank you.

બુધવાર, 2 ફેબ્રુઆરી, 2011

દોસ્ત મને માફ કરીશને? પ્રકરણ-૧૪

Posted by Unknown on 10:54:00 AM
ઇતિ, શણગારેલી ઢીંગલી

એક અકથ્ય મુંઝારો ઇતિના પ્રાણને ઘેરી વળ્યો, જેની આરપાર તે કશું જોઈ શકતી નહોતી, તેના મૌનને સંમતિ માની તેની સગાઈ નક્કી થઈ

‘જોકે આ બધું ઇતિની સમજ બહારનું હતું, પરંતુ સમજાય કે ન સમજાય સ્વીકારવાનું તો હતું જને? આ પળે તો જે સામે આવ્યું તે એક સત્ય હતું. બાકી અત્યાર સુધી અનુભવેલું બધું...’જોકે ઇતિમાં કંઈ વિચારવાની શક્તિ ક્યાં હતી? તે કશું વિચારવા માગતી પણ નહોતી. તેનો સહજ, અતિ સરળ સ્વભાવ, બધું સ્વીકારી લેવાની આદતને લીધે તે એટલું જ વિચારતી, અનિ જ્યાં રહે ત્યાં ખુશ રહે. બસ, અનિની જે ઇચ્છા હોય તે ઇતિને મંજુર જ હોય. અનિની ઇચ્છાને ઇતિ માન ન આપે તેવું તો બને જ નહિને? કોઈ ફરિયાદ વિના પૂર્ણ શ્રદ્ધાથી તેણે હકીકત સ્વીકારી લીધી.

એક ક્ષણ માટે પણ કોઈ કડવાશ તેના મનમાં પ્રવેશી શકી નહિ. આમ પણ તેમણે ક્યાં ક્યારેય સાથે જીવવા મરવાનાં વચનો આપ્યાં હતાં? તેથી દગો કે વિશ્વાસઘાત એવા કોઈ સવાલો તો ઉપસ્થિત જ ક્યાં થતા હતા? બસ, અનિ ખુશ રહે. અંતરની અમીરાતથી ધબકતા, મધુરતાથી ધબકતા હૈયામાં કડવાશની કોઈ કણી માટે જગ્યા ક્યાં હતી? અનિની છબિ તેના મનમાં એ જ રહી. બહાર સપાટી પર દેખાતી રહેતી હતી તેને બદલે હવે અંદર ઊંડે ઊતરતી ગઈ. બસ, આટલો જ ફરક પડ્યો. કોઈ આગ્રહ તો તેની પ્રકૃતિમાં હતો જ ક્યાં? અનિકેત તેની સ્મૃતિ બની ગયો હતો.

તેના જીવનની પ્રત્યેક ક્ષણમાં અનિકેતની હાજરી હતી. તેને અસ્તિત્વથી કેમ અલગ કરી શકાય? અને અલગ કરવાની જરૂર પણ ક્યાં હતી? કોઈ પીડા વિના પૂરી સહજતાથી દરેક વાત. દરેક પરિસ્થિતિનો સ્વીકાર એ કદાચ ઇતિની પ્રકૃતિ હતી અને અનિકેત ભૌતિક અર્થમાં તેનાથી દૂર ભલે ગયો હોય. બાકી ઇતિથી દૂર તે જઈ શકે તેવી તો ઇતિ કલ્પના પણ કરી શકે તેમ નહોતી.

સમયની એક વામન ક્ષણમાં કેટલી વિરાટ, અનંત શક્યતાઓ, આશ્ચર્યો ભરેલાં હોય છે. તે અહેસાસ તો સ્વાનુભવે જ સમજાયને?ઇતિનું ભણવાનું હવે પૂરું થયું હતું. કોઈ પણ માતાપિતાની જેમ ઇતિના માબાપ પણ દીકરીના લગ્નની ચિંતામાં છોકરો શોધવામાં પડ્યા. ઇતિ તો કશું વિચારતી જ નહોતી. કદાચ વિચારવા માગતી પણ નહોતી. ત્યાં જ તેના જીવનમાં અરૂપનું આગમન એકદમ અણધાર્યું થયું. ઇતિના માસીએ એક છોકરો બતાવ્યો. ભણેલોગણેલો, દેખાવડો, સારું કમાતો અને કુટુંબમાં પણ ખાસ કોઈ નહોતું. તે પણ અમેરિકાથી આવ્યો હતો. વાત ચાલી અને એક દિવસ અરૂપ ઇતિને જોવા આવ્યો. તે તો ઇતિને જોઈને જ મુગ્ધ થઈ ગયો.

ઇતિની ભાવવાહી, વિશાળ, ચમકતી, પાણીદાર આંખોમાં તે ખોવાઈ ગયો. તેણે તો ત્યાં જ હા પાડી દીધી. ઇતિનાં મમ્મીપપ્પાને પણ અરૂપ ગમ્યો. ઇતિને પૂછતાં તે જવાબ ન આપી શકી. આ બધું શું થઈ રહ્યું છે તેની જિંદગીમાં? ના પાડવાનું કોઈ દેખીતું કારણ નહોતું. તો હા પાડવાની? લગ્ન કરવાના? સાસરે જવાનું? જોકે સાસરાનો અર્થ હવે કોઈને પૂછવો પડે તેમ નહોતો અને પૂછવું હોય તો પણ જવાબ આપનાર પોતે જ એક સવાલ બનીને રહી ગયો હતો.

બાકી ઇતિની જિંદગી વિશે વિચાર તો અનિકેતે કરવાનો હોય. ઇતિનું જીવન કેવું હશે તેની કલ્પના તો અનિકેત કરતો. અત્યાર સુધી પોતે ક્યારેય કોઈ ચિંતા, કોઈ કલ્પના, કોઈ વિચાર પોતાના ભાવિ વિશે કર્યો હતો? એ બધું ઇતિનું કામ થોડું હતું? એને તો અનિ કહે એમ કરવાનું હોય, બસ બાકી બધું એની જવાબદારી, પણ હવે? હવે આ ક્ષણે અનિને શોધવો ક્યાં? તેને એટલી પણ ભાન નથી પડતી કે ઇતિ એકલી શું કરશે? કેમ કરશે? આવો મોટો નિર્ણય તે અનિ વિના કેમ લઈ શકે? ‘તે અનિને પરણી શકે? અનિ હોત તો પોતે અને અનિ પરણ્યાં હોત?

ઇતિના મનમાં પહેલી વાર વીજળીની જેમ વિચાર ઝબકી ગયો. અનિ સાથે લગ્ન? આવો વિચાર તો આજ સુધી ક્યારેય નથી આવ્યો. આજે આમ અચાનક? તે અને અનિ પ્રેમી, પ્રેમિકા થોડાં હતાં? હા, એકબીજાનું સર્વસ્વ જરૂર હતાં, પણ આવું તો બેમાંથી કોઈએ કદી ક્યાં વિચાર્યું હતું? હકીકતે તે અને અનિ છુટાં પડી શકે એવી કોઈ કલ્પના જ નહોતી આવી. ઇતિ અજબ અસમંજસમાં અટવાઈ.

એક તરફ માતાપિતા હતાં. જે તેને સમજાવતાં હતાં કે અરૂપ જેવો છોકરો નસીબદારને જ મળે. ઇતિને તો કોઈ બહેનપણી, કોઈ મિત્ર પણ ક્યાં હતા? જે હતો તે એકમાત્ર અનિકેત અને તે આમ ઇતિની પરમ જરૂરિયાતની પળે ખોવાઈ જાય, રિસાઈ જાય, ઇતિની આંખો છલકાઈ આવી. એક અકથ્ય મુંઝારો તેના પ્રાણને ઘેરી વળ્યો, જેની આરપાર તે કશું જોઈ શકવા અસમર્થ હતી. તેના મૌનને સંમતિ માની ઇતિની સગાઈ નક્કી થઈ. 


ક્રમશ:


Kindly Bookmark and Share it:

0 comments:

|| જય શ્રી કૃષ્ણ ||. મિત્રો અમે તમારા પ્રતિભાવો જાણવા માટે આતુર છીએ તમારા પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્ષ મા લાખો.

Gujarati all type of content

Related Posts Plugin for WordPress, Blogger...
 
© 2010 G4Gujarati Template by My Blogger Tricks