મારા વિષે કશુંય મને યાદ ક્યાં હતું ?
ભૂલી શકાય એ રીતે ભૂલી ગયો તને.
-શ્યામ સાધુ
કાં તો તું હસી પડીશ કે કાં તો પછી રડીશ,
સાંભળજે કાન દૈને તું મારી જરી કથા.
-શેખાદમ આબુવાલા
ચાલો ચાલો ખુદને મળી એ,
દર્પણ માં થી બહાર નીકળીએ.
-અરવિંદ ભટ્ટ
ચોપાસ ગુલાબો તણી ભીની સુવાસ છે,
નક્કી અહીં જ ક્યાંક તમારો વાસ છે.
-રશીદ મીર
મેં તો વિયોગ રાત માં કલ્પી મિલનની ઘડી,
આખરે તો દિલ હતું – બહેલાવવું પડ્યું.
-સૈફ પાલનપુરી
મહેકશે માટી ફરીથી પ્રીતની,
આંખ માં જળ જળ થતો વરસાદ છે.
તને યુદ્વમાં ક્યાં પરાજય ગમે છે ?
પણછ કાપવા છળકપટ તું રમે છે.
-ચિનુ મોદી
એણેય દીધું ઠોકરે મારા સ્વમાનને,
જેના ઉપર ગુમાન હતું, કોણ માનશે ?
-જલન માતરી
મહોબત નાં જગતમાં તો આ એક અદનો શિરસ્તો છે,
દિલ ડૂબે ભલે પણ નયન ભીંજાઇ શકતાં નથી.
-સૈફ પાલનપુરી
જુઓ તો આપણી વચ્ચે છે અંતર એટલું કેવળ,
છે અંતર જેટલું જાણે વદન ને આયના વચ્ચે.
-દિલીપ પરીખ
તમારી યાદમાં ફૂલોથી અદકું હાસ્ય વેર્યું છે,
નવી રીતે હસી લીધું અમે આંસુ વહાવીને.
-ગની દહીંવાલા
પાંપણ ઝૂકી ગઇ એ શરણાગતિ નથી,
સૌન્દર્ય ની હજૂરે પ્રણય નો વિવેક છે.
-શૂન્ય પાલનપુરી
શી સૂર્યતારા સમ તારી શકિત
તારા ઇશારે ફરવું પડે છે,
સ્વછંદી તો ય તુજ પ્યારમાં તો
તું જે કહે એ કરવું પડે છે.
-શેખાદમ આબુવાલા
તમને જોવાથી સરિતાઓ ને વહેતાં આવડયું,
સાગરોને પણ ઊછળતાં, મસ્ત રહેતાં આવડયું.
-બેફામ
સમયની લાજ રાખી ઘડીભર તો તમે આવો,
કે પળભર ના ભરોસા ઉપર અહીં આખો જમાનો છે.
-મરીઝ
ફૂલના રસથી પ્યાલા ભરી એ
આવ જરા મન હળવું કરીએ.
-શૂન્ય પાલનપુરી
પ્રેમ ઇર્ષાથી પર ક્યાંય હોતો નથી,
શબ્દથી વાત કેરું વતેસર થાશે,
હોઠ સીવીને ચૂપચાપ જોતા રહો,
મૌન પેદા કરે છે ભરમ કેટલા.
-શૂન્ય પાલનપુરી
તરસ ભલેને જાય તણાતી શ્રાવણની હેલીમાં,
છળ ના રણમાં છાનામાના મૃગજળ મૃગજળ રમીએ.
-ગની દહીંવાલા
આ કસક હૈયે અમસ્તી હોય નૈં,
તેં ફરી મારી છબી ચૂમી હશે.
-હરીન્દ્ર દવે
હૈયું તો કહ્યા કરશે ‘લાગણી વહાલી છે’,
આંખ ઉપરથી જાણી લો કેટલી વહાલી છે.
-શૂન્ય પાલનપુરી
મૌનમાં ક્યારેક વાતો કંઇક સુણાવી જાઉં છું,
વાતમાં ક્યારેક મર્મો કંઇ છુપાવી જાઉં છું.
-ઘાયલ
તમારા પ્રતાપે પ્રકાશે છે પૂનમ,
તમારી ચમક ચાંદ ચોરી રહ્યો છે,
કહે છે ગગનના સિતારે સિતારા,
જગતમાં અમારો સહારો તમે છો.
-બેફામ
કિસ્મત માં કોઇના, કદી એવી ન પ્રીત હો,
જેમાં મિલન ના હોઠે જુદાઇ નાં ગીત હો.
-શૂન્ય પાલનપુરી
વાટ જોવામાં વિતાવ્યાં મેં તો વરસોનાં વરસ,
તમને મળવાની મને એકાદ બે તો પળ મલે.
-દિલીપ પરીખ
કોઇ ઘટના બને એ જરૂરી નથી,
રોતાં રોતાં અમસ્તાય હસવું પડે.
-સૈફ પાલનપુરી
નેણથી થોડી ઘણી જો થાય તો,
આપને હૈયે જગ્યા કરવી હતી.
-ચિનુ મોદી
ચાંદ શો ચહેરો નજરમાં છે, તમે તે રાત હો,
કે અમાવસ્યા હશે તો પણ એ પૂનમ લાગશે.
-બેફામ
મીઠી મૂંઝવણ હતી હોઠ તો ચૂપ હતા,
જો હતો તો હતો મૌનનો ઇશારો,
એણે જ્યારે કહ્યું “હું તને ચાહું છું,”
જિંદગી એક પળમાં ઉકલી હતી.
-શોભિત દેસાઇ
સદા મહેક દીઠી સુવાસિત હ્રદય માં,
તમે છો, થયું એમ સાબિત હ્રદય માં.
-ગની દહીંવાલા
નજર માં આપ વિના કોઇ પણ નથી બીજું,
નજર માં આપ રહો એ નજર હું રાખું છું.
-ઘાયલ
તને જોવા ઘણીય વાર મુજને
મને મારી નજર જોવી પડી છે
-મરીઝ
કલેજે ખેલની ભમ્મર કટારી યાદ આવે છે,
હતી કેવી પરસ્પર પ્રીત પ્યારી, યાદ આવે છે.
-ઘાયલ
ત્યારથી મેળાપ બંને નો કદી થાતો નથી,
જ્યાર થી તકરાર થઇ છે સંપ ને તકરાર માં.
-જલન માતરી
પ્રેમ નું દુઃખ ભલે ને જાહેર ,
સુખ જરા એમાં છાનુંમાનું છે.
-મરીઝ
થૈ વધુ સુંદર પ્રસરતાં એના મુખ પર ચાંદની,
ચાંદની બોલી હવે છું હું ખરેખર ચાંદની.
-શેખાદમ આબુવાલા
સમય ની લાજ રાખી ઘડીભર તો તમે આવો,
કે પળભર ના ભરોસા ઉપર અહીં આખો જમાનો છે.
-મરીઝ
મહોબ્બતમાં અને વહેવાર માં એક જ તફાવત છે,
તમારું દર્દ હું પૂછું – તમે પૂછો દવા મારી.
-મરીઝ
હો ખુલ્લી આંખ સામે તમે, બંધ આંખે સ્વપ્ન,
દર્શન તમારાં એવી રીતે હું સતત કર્યા કરું.
-દિલીપ પરીખ
હોઠ પર તો તારે માટે મૌનનાં તાળાં હતાં,
હૈયે તારું નામ ઉચ્ચારતો હું બેસી રહ્યો.
-બેફામ
નહિ તો સિતારા હોય નહીં આટલા આટલા
કોઇ વિરાટ સ્વપ્ન ના ચૂરા ચૂરા થયા હશે.
-ઘાયલ
વાદળોમાં વીજળી જેવી બળે છે જિંદગી,
દિલમાં તારું દર્દ લઇને ટળવળે છે જિંદગી.
-બેફામ
આવ સામે તો તને હું પ્રેમની દેવી કહું,
વાત મનની એક મૂર્તિને કહીને શું કરું ?
-બેફામ
હું ઘરબાર ભૂલ્યો પરિવાર ભૂલ્યો,
તમે યાદ આવ્યાં તો સંસાર ભૂલ્યો.
-શેખાદમ આબૂવાલા
તું નહીં હો તો જગત આખું જ ભ્રમણા લાગશે,
ઝાંઝવાં હો કે ઝરણ સૌ એકસરખાં લાગશે.
-બેફામ
તમને જોવાથી સરોવરમાં કમળ ખીલી શક્યાં,
ગુપ્ત કાદવ પણ પ્રગટાવવાની કલા ઝીલી શક્યાં.
-બેફામ
તમને જોયાં તો હ્રદયનું હેત રેલાઇ ગયું,
તાર મનમાં ઝણઝણ્યાં, સંગીત રેલાઇ ગયું.
-બેફામ
આવો બિરાજો, આવો હ્રદય માં
રૂપને લાયક પાથરણું છે.
કરો ક્યારેક તો પાવન પધારી
અમારું આંગણું પણ આંગણું છે.
-લેખક ?
તમારાથી નથી યે કાંઇ પણ મુજને લગન જેવું
મને તો આ પછી શું થાય છે દિલ માં જલન જેવું.
-ઘાયલ
પ્રેમનો પંથ આમ ટૂંકો છે,
એક કદમ તો જરા લઇ જુઓ.
-મરીઝ
તમારી આંખ પરબડી હો લીમડા હેઠળ,
તો માટલીમાં ઝમે, આ વરસનો ઉનાળો.
-ગની દહીંવાલા
કિસ્મતમાં કોઇ ના, કદી એવી ન પ્રીત હો,
જેમાં મિલન ના હોઠે જુદાઇ નાં ગીત હો.
-શૂન્ય પાલનપુરી
તમે ના પારખી શકશો, અમારાં દર્દ એવાં છે,
નથી આધાત પથ્થર નો, પડયો છે માર ફૂલોનો.
-જિતેન્દ્રકુમાર જોષી
ઉધાડાં દ્વાર રાખીને, સતત જાગ્યા કરું છું હું,
તમે આવો નહીં, એ વાત હું માની નથી શકતો.
-કૈલાસ પંડિત
તમને ભૂલી જવાના પ્રયત્નોમાં આજકાલ
તમને ભૂલી ગયો છું, મને ખ્યાલ પણ નથી.
-હરીન્દ્ર દવે
તમે ન કામ માં આવો તો કામ માંથી જઇશ,
કે છું હું કામનો માણસ ને કામકાજ નથી.
-મરીઝ
મને આ તારી અધબીડેલી આંખો માં સમાવી લે,
મને તો ઘણી ઇચ્છા છે કે કાજલ થાઉં તો સારું.
-શેખાદમ આબુવાલા
કાંટાઓને દર્દ છે છાનું, એ હું જાણું,
ફૂલોને યે દિલ છે દીવાનું, એ હું જાણું,
ઝાંઝવા થી ના પ્યાસ બુઝાશે, ઓ દિલ મારા,
અંત જામ અશ્રુનું પીવાનું, એ હું જાણું.
-ઝરીના ‘ચાંદ’
યારી ગુલામી શું કરું ત્હારી ? સનમ,
ગાલે ચૂમું કે પ્હાનીએ તને ? સનમ.
-કલાપી
તમે જ યાદ અપાવ્યાં મને સ્મરણ જૂનાં,
ફરી એ વાત પુરાણી તમે કહો તો કહું.
-હરીન્દ્ર દવે
હજાર વાત કરે આંખ, હોઠ કંઇ ન કહે,
આ એક પ્રકારની નિષ્ઠુરતા છે, લાજ નથી.
-મરીઝ
તમે એકવાર જેને રાત દઇ જાઓ છો જીવન માં,
દિવસ મળતો નથી એને સૂરજ ની રોશની માંથી.
-બેફામ
પ્રેમ છે એની શરૂઆત ગમે ત્યાંથી કરો,
એમાં આરંભ જરૂરી નથી છેડા માટે.
-મરીઝ
હોત નહિ તો એ બધા અંધકારમાં જીવતા ગરીબ,
તમને જોવાથી જ ચમકે છે સિતારાનાં નસીબ.
-બેફામ
આ દર્દ મહોબતનું જે હરગિઝ નથી મટતું,
ઉપર થી મજાએ કે મને એની દવા યાદ.
-મરીઝ
પ્રેમ એક જ છે, પ્રસંગો જૂજવાં દેખાય છે,
દ્ર્ષ્ટિ જૂની છે અને દ્ર્શ્યો નવાં દેખાય છે,
તમને ખોયા બાદ એવી પ્યાસથી હું જોઉં છું,
જાણે સાચાં નીર માં પણ ઝાંઝવાં દેખાય છે.
-બેફામ
આ ગગનમાં ચાંદથી તારું બનાવું અંગ હું,
આ ધરાનાં સૌ ગુલાબોને ભરી દઉં રંગ હું,
પણ તને ચેતન વિનાની ચીતરી ને શું કરું ?
-બેફામ
લેવું પડે છે જીભનું ય કામ આંખથી,
આ અંજુમનની રીતરસમ આકરી તો છે.
-ઘાયલ
મજા ખરી એ મિલન તણી છે
કંઇક એવું બને મિલન માં
સવાલ ઉઠે હ્રદય માં,
જવાબ આવે નયન નયન માં
-ઘાયલ
‘ગની’ દુનિયાની સાથે ચાલવામાં પ્રશ્ર્ન છે દિલનો,
અમારે ચાલવાની ના નથી, જો એ પ્રથમ ચાલે.
-ગની દહીંવાલા
પ્રેમાળ દિલ એવું કે આવે બધાં યાદ
દુઃખદર્દ છે એવાં, તમે પણ ન રહ્યાં યાદ.
-મરીઝ
આ શું સતત ભય રહે તૂટી જશે સંબંધ,
વીજળીની ડાળ ઉપર કોઇ માળો ન બાંધવો.
-હરીન્દ્ર દવે
તારા વિરહમાં રાતે નથી પાંપણો મળી,
તારા નશાના ઘેનમાં ડૂબ્યું સવાર છે.
-હરીન્દ્ર દવે
ના, એવું દર્દ હોય મોહબ્બત સિવાય, ના
સોચો તો લાખ સૂઝે- કરો તો ઉપાય ના.
-મરીઝ
તું નથી પાસે પછી તારી છબીને શું કરું ?
જીવ જેમાં કાંઇ નથી એ જિન્દગી શું કરું ?
-બેફામ
જીવનના બાગ માં મારા, કોઇ કાંટા નહીં મળશે,
ફક્ત મારા હ્રદયના ફૂલને રોપી રહ્યો છું.
-દિલીપ પરીખ
જાણે જોયો ન હોય તે રીતે તું ચાલી ગઇ,
હું ઉધાડું હોઠઃ ના એ તો નથી દસ્તૂર માં.
-હરીન્દ્ર દવે
દર્દ એવું કે કોઇ ના જાણે,
હાલ એવો કે બધા જાણે.
-મરીઝ
સુમન જેવા તમે અને દિલ હતું મારું ચમન જેવું,
તમે ચાલ્યા ગયા એને કરી વેરાન વન જેવું.
-નાઝિર દખૈયા
તમને જોયાં હોત ના તો હોત હું દૂષણ સમો,
થઇ ગયો છું તમને જોયા બાદ આભૂષણ સમો.
-બેફામ
સલામત રહે સ્વપ્ન નિદ્રાના ખોળે,
કરી બંધ આંખો મુલાકાત કરીશું.
-શેખાદમ આબુવાલા
તમે પણ બે ધડી માટે જ આવો,
હવે તો જિંદગી પણ બે ઘડી છે.
-મરીઝ
ઝાંઝવાનાં નીર નો આધાર લઇને શું કરું?
જે ન પોતાનો થયો, એ પ્યાર લઇ ને શું કરું?
-બેફામ
જોયું પગેરું કાઢી મહોબત નું આજ તો,
એના સગડ દીવાનગીના ઘર સુધી ગયા.
-ઘાયલ
અશ્રુની રડતી સૂરતમાં
મેં હસતી મૂરત જોઇ છે
આ આંખ રડી છે અંત લગી
પણ હસતાં હસતાં રોઇ છે.
-ઘાયલ
તારી પ્રીતિનો સુગંધી સંગ બીજાને મળ્યો,
તું છે એવું ફૂલ જેનો રંગ બીજાને મળ્યો.
-બેફામ
કારણ વિના હરીફ જે મારો બની ગયો,
લાગે છે એણે મારું અનુકરણ કર્યું હશે.
-સૈફ પાલનપૂરી
સદા મહેક દીઠી સુવાસિત હ્રદયમાં,
તમે છો, થયું એમ સાબિત હ્રદયમાં.
-ગની દહીંવાલા
તમારી યાદમાં ફૂલોથી અદકું હાસ્ય વેર્યું છે,
નવી રીતે હસી લીધું અમે આંસું વહાવીને.
-ગની દહીંવાલા
અપમાન કરી ઓચિંતા મહેફિલથી ઉઠાડી દેનારા,
મહેફિલ માં પ્રથમ તેં રાખ્યો’તો અવકાશ શા માટે?
–ગની દહીંવાલા
તમને જોયાં હોત ના તો હોત હું દૂષણ સમો,
થઇ ગયો છું તમને જોયા બાદ આભૂષણ સમો.
-બેફામ
દીવા સમું જો યાદ હોય તો ઝળહળી શકું,
તમને ભૂલીને હું મને ક્યાંથી મળી શકું ?
તું લાખ ઇચ્છે તોય ના પથ્થર થઇ શકું,
તાસીર છે કપૂરની, બસ ઓગળી શકું.
-મહેન્દ્ર જોશી
આંખ થી આંખ લડી બેઠી, કશી વાત વગર,
કાંઇ શરૂ આમ થઇ વાત શરૂઆત વગર.
-ઘાયલ
ક્યાં સુધી ઇચ્છા લઇ જવી એ પણ કહો તમે,
ક્યાં જઇને એ ભૂલી જવી, એ પણ કહો તમે,
થોડાં આંસુઓને ક્ષિતિજ ઉપર લઇ જઇ,
એક રાત કેમ ભૂલી જવી એ પણ કહો તમે.
-પ્રફુલ્લ પંડ્યા
ભવરણ માં ચોતરફ તમે મૃગજળ તો ચીતરો,
આંખોને ગમતાં થાય એવાં છળ તો ચીતરો.
ઝરણું તો દાનમાં હું કદી માગતો નથી,
તૃષ્ણા સમી જશે, તમે ઝાકળ તો ચીતરો.
-અંજુમ ઉઝ્યાન્વી
હજાર સુખનાં જૂઠાં સ્વપ્ના માં જીવું છું હું,
એક આશ લઇને એકાદ પણ ખરું નીકળે.
-બેફામ
ન તો કંપ છે ધરાનો, ન તો હું ડગી ગયો છું,
કોઇ મારો હાથ ઝાલો, હું કશુંક પી ગયો છું.
-ગની દહીંવાલા
કોઇ ને ઝંખે છે કાયમ, બહુ ઉદાસ છે રાત,
તું આવ દોસ્ત, તારા સમ, બહું ઉદાસ છે રાત.
-શોભિત દેસાઇ
હતી જ્યાં વસ્લની ખ્વાહિશ, મળ્યું ત્યાં ઝેર નું પ્યાલું,
મગર તે જામને ભરતાં કહે, તુંજ હાથ શું આવ્યું ?
-કલાપી
દરિયો રહી ગયો ને કિનારો નથી રહ્યો,
હું પણ તમારી યાદ માં મારો નથી રહ્યો.
-હરીન્દ્ર દવે
પ્રતીક્ષા છે, પંથે નજર છે ને હું છું,
તમે આવશો એ ખબર છે ને હું છું.
-રાહી રાજકોટી
નજર મેળવીશું અને ખોવાઇ જાશું,
કથાઓ બનીશું અને ચર્ચાઇ જાશું,
કહી દો કે, “મંજૂર છે પ્રેમ તારો”
હકૂમત કરી કાળ ઉપર છાઇ જાશું.
-શૂન્ય પાલનપુરી
પૂરી શક્યું ના કોઇ પણ, તારા ગયા પછી,
મુજને જે ખોટ તારા વગર ઉમ્ર ભર પડી.
-જલન માતરી
કાળજે કાંટો બને એ હાર લઇને શું કરું ?
જે ન પોતાનો થયો એ પ્યાર લઇ ને શું કરું ?
-બેફામ
“કેમ ચાલે છે?” “બધું સારું છે” કરી છૂટાં પડયાં,
આ અમસ્તી વાતની કેવી અસર, જાગ્યા કરું.
-હરીન્દ્ર દવે
શબ્દોમાં તારા પ્રશ્ર્ન નો ના કંઇ જવાબ છે,
વાંચી લે આંખડીમાં, ઉઘાડી કિતાબ છે.
-મુકબિલ કુરેશી
પ્રણય ની સર્વથી પહેલી કહાણી થઇ ગઇ આંખો,
કે ભાષા થઇ ગઇ દષ્ટિ ને વાણી થઇ ગઇ આંખો.
-બેફામ
હમદર્દ બની જાય જરા સાથમાં આવે,
આ શું કે બધા દૂરથી જ રસ્તા બતાવે.
-મરીઝ
તારા સિવાય કોઇ બીજી પર નજર ઠરી નહીં,
મારી નજર નહીં તો બધા પર પડી હતી.
-બેફામ
જે અંધ જાણે છે પ્રેમને તે આ વાત નહીં સમજી જ શકે,
એક સાવ અજાણી આંખ થી પણ અથડાઇ જવામાં લિજ્જ્ત છે.
-ઘાયલ
કોઇ ઉપર દિલ કોઇ ઉપર આંખડી છે,
છતાં મુજ ને નિરાશા સાંપડી છે.
-ફના રાંદેરી
લૂંટી ગઇ જે ચાર ઘડીના પ્રવાસમાં,
યુગયુગની ઓળખાણ હતી, કોણ માનશે?
-શૂન્ય પાલનપુરી
દીવાનગી જ સત્યનો સાચો પ્રચાર છે,
જાણી ગયા બધા કે મને તુજ થી પ્યાર છે.
-મરીઝ
મહોબત ની ધરા ઉપર પગ મૂક્યો ત્યારે ખબર નહોતી,
અમે તરસ્યા તળાવે રહીશું, ભૂખ્યા ખેતરે રહીશું.
-બેફામ
છે ચાહતની બલિહારી અજબ, હું એક જ ઉત્તર શોધું છું,
કે આંખોથી સત્કાર કરો ને મુખથી નકારો શા માટે ?
-વેણીભાઇ પુરોહિત
તમારા સુંવાળા અધરની આ લાલી,
ચમન માં ગુલાબો ની મોસમ બની છે,
તમારાં જ સ્મિતો એ રંગો દીધા છે,
તમારી જ વાણી ફોરમ બની છે.
-બેફામ
વ્હાલસોયી હતી આપણી વેદના,
આપણે સામે ચાલીને વ્હોરી હતી.
-ભગવતીકુમાર શર્મા
દૂરતા આવી રહી છે આપણા સંબંધમાં,
કોક ભીને પગે ફરે છે રોજ રણને પટ છતાં.
-ચિનુ મોદી
કસુંબલ આંખડીના કસબની વાત શી કરવી,
કલેજું કોતરી નાજુક મીનાકારી કરી લીધી.
-ઘાયલ
વાત મારી નીકળી તો હશે,
સાંભળી પાંપણો ઢળી તો હશે,
મૌન પાળ્યું હશે છતાં ‘ઘાયલ’
ચીસ આંખોમાં સળવળી તો હશે.
-ઘાયલ
એક પડછાયો પીધો તેનો નશો છે લોહીમાં,
આમ બસ હર એક સાંજો લડખડાતી જાય છે.
-નયન દેસાઇ
છો આપ ફરી બેઠાં મુજથી એમાંય વિધિનો ભેદ હશે,
બરબાદ થતું જીવન આજે ફુરસદ ની પળે જોવાઇ ગયું.
-ગની દહીંવાલા
લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો,
દર્શનની ઝંખના હતી, અણસાર પણ ગયો.
-મરીઝ
બંધ દરવાજે ટકોરા મારતાં તારાં સ્મરણ,
નામ-સરનામાં વગરનાં કાગળોની જેમ છે.
-ચિનુ મોદી
ઊતરી ગયાં છો આપ નજર થી હ્રદય સુધી,
પહોંચી ગઇ છે વાત હવે તો પ્રણય સુધી,
આ ઇન્તજારની મઝા એટલી ગમી,
જોશું અમે તો રાહ તમારી પ્રલય સુધી.
-શિવકુમાર સાઝ
ભરોસો ન કરજે કદી ફૂલનો તું,
ફૂલો તો ચૂંટાઇને ચાલ્યાં જવાનાં,
ચમનને વફાદાર કંટક રહેશે,
ચમનને કદી પણ નથી છોડવાના.
-મુકબિલ કુરેશી
ઘટમાં શિવ, નજરમાં સુંદર, મનમાં સત્યનું અક્ષય ઠામ,
આજ તમારા પુણ્યપ્રતાપે તન છે અમારું તીરથધામ.
-શૂન્ય
સ્નેહને સીમા ન હો તો સાથ છૂટી જાય છે,
મૈત્રી મર્યાદા મૂકી દે છે તો તૂટી જાય છે,
તું પીવામાં લાગણી દર્શાવ કિન્તુ હોશ માં,
કે વધુ ટકરાઇ પડતાં જામ ફૂટી જાય છે.
-બેફામ
તારા વિના તો કોણ દિલાસો દિયે મને ?
ખુદ હું જ મારી જાતને પંપાળતો રહ્યો.
-રાહી ઓધારીયા
તારી આંખોને ઇશારે મારી એકલતા ટળી,
ભરસભામાં હું નહિતર ખૂબ મૂંઝાયો હતો.
-શૂન્ય પાલનપુરી
શાયરો પણ તમને જોઇને ગઝલ સર્જી શક્યા,
તમને જોયાં તો અસલમાંથી નકલ સર્જી શક્યા.
-બેફામ
તમારી દુશ્મની નું શું કહેવું!
તમારી દોસ્તી ભારે પડી છે.
-નિસાર
ઝાડ પર જ્યારથી એક પંછીએ માળો વિખેરી દીધો,
છાંયડો રોજ આવીને બેસે છે પણ કોઇ હોતું નથી.
-સૈફ પાલનપુરી
તમને જોયાં એટલે મારી નઝમ બનતી ગઇ,
કલ્પના પોતે પછી મારી કલમ બનતી ગઇ.
-બેફામ
કોઇ ઉપર દિલ કોઇ ઉપર આંખડી છે,
છતાં મુજને નિરાશા સાંપડી છે.
-ફના રાંદેરી
બહું સુંદર છે નકશીકામ જખમોનું હ્રદય ઉપર,
ઓ સંગાથી કલાકારો, તમારું કામ લાગે છે.
-મરીઝ
આ કલમ ક્યાં છે? છે મારા શ્વાસની પીંછી પ્રિયે,
ચાંદની માં બોળીને તારી છબી ચીતરી પ્રિયે.
-ભગવતીકુમાર શર્મા
જે સંકળાય અહીં તારી યાદની સાથે,
જીવનમાં એ પછી બીજું કશું ન કરી શકે.
-આદિલ મન્સુરી
સમય ચાલ્યો ગયો જ્યારે અમે મૃગજળ પીતા’તા
હતી જે એક જમાના માં હવે એવી તરસ ક્યાં છે.
-મરીઝ
કશુંય કહેવું નથી સૂર્ય કે સવાર વિષે,
તમે કહો તો વાત કરું અંધકાર વિષે.
-આદિલ મન્સૂરી
મુંઝાઇ જઇશ હું, મને રસ્તા ના બતાવો,
રહી ગઇ છે હવે તો મને બસ એક દિશા યાદ.
-સૈફ પાલનપુરી
દિલ તમોને આપતાં આપી દીધું,
પામતાં પાછું અમે માપી લીધું,
માત્ર એક જ ક્ષણ તમે રાખ્યું છતાં,
ચોતરફ થી કેટલું કાપી લીધું.
-મનહર મોદી
દીપક બિચારો થાકી છેવટ બુઝાઇ ગયો,
મારું જિગર છે કેવું નિશદિન બળ્યા કરે છે.
-શયદા
મીઠા તમારા પ્રેમના પત્રો સમય જતાં,
નહોતી ખબર કે દર્દ નું વાચન બની જશે.
-મરીઝ
પહેલાં પવન માં હતી ક્યાં આટલી મહેક,
રસ્તામાં તારી સાથે મુલાકાત થઇ હશે.
-આદિલ મન્સૂરી
ચાલ જીવ, એની ગલીમાં ફરતાં જરા જઇ આવીએ,
કે મિલન એનું ભલે ન થાય, દર્શન તો થશે.
-બેફામ
હે પરવશ પ્રેમ, શું એવો પ્રસંગ એક વાર ના આવે ?
એ બોલાવે મને, ને હું કહું ; આવી નથી શકતો.
-ગની દહીંવાલા
ભૂલી ગયો છું એમ તો દુનિયાનામ ઘર તમામ,
આવી રહ્યું છે, યાદ મને એનું ઘર હજીય.
-શેખાદમ આબુવાલા
નથી ઝંખના મારી ગમતી જો તમને,
તો એનું નિવારણ તમારું મિલન છે.
-મરીઝ
કોઇ મારું થશે એવી હજી શ્રદ્વા છે હૈયામાં,
હસો, મિત્રો હસો, -કે હું ચમત્કારો માં માનું છું.
-સૈફ પાલનપુરી
સૂર્ય પણ તમને જ જોવાને નીકળતો હોય છે,
ને પછી આખો દિવસ ઇર્ષા માં બળતો હોય છે.
-બેફામ
હજી આંખમાં જાણે ફરકે છે કોઇ,
હજી મીઠું શરમાઇ મરકે છે કોઇ,
વિખૂટાં પડ્યાં તો ય લાગે છે, ‘ઘાયલ’
હજી પણ રગેરગ માં સરકે છે કોઇ.
-ઘાયલ
ફરીથી દોસ્તી કરવી નથી મગર પૂછું,
તમારી સાથે હતી મારી દોસ્તી કે નહીં.
-મરીઝ
હવે નૌકા તો શું, આગળ નથી વધતા વિચારો પણ,
હતી મઝધાર તું મારી અને સામો કિનારો પણ.
-જટિલ
પૂછો ના મને એમ કે હું છું તો કેમ છું ?
હું પણ મને મનાવું છું કે હેમખેમ છું.
-શૈલેષ ટેવાણી
મારા જવાની સાંજ તને યાદ તો હશે,
આંગણાંનો લીમડો એ ગઝલ ગુંજતો હશે,
મેં એક શ્વાસ લીધો નહીં જ્યાં નિરાંત નો,
થાક્યો અવાજ તારી ખબર પૂછતો હશે.
-હેમન્ત દેસાઇ
એકાદ હો તો એને છુપાવી શકું ‘મરીઝ’
આ પ્રેમ છે ને એના પુરાવા હજાર છે.
-મરીઝ
અકળાઇ જાઉં એવા અબોલા ના રાખ તું,
તારા જ અક્ષરો વડે ઝઘડાઓ લખ મને,
તું આવશે નહીં એ હું જાણું છું છતાં,
તું આવવાના ખોટા ઇરાદા લખ મને.
-દિલીપ પરીખ
આ જખમ ઉપર તો કોઇ નામ નથી,
મેં જ મૂક્યો હશે એ હૈયા ઉપર.
-સૈફ પાલનપૂરી
સળગતો શબ્દ પણ પીંખાયલા પરિવાર જેવો છું,
મને ના વાંચ, હું ગઇકાલ ના અખબાર જેવો છું.
-ગની દહીંવાલા
મથું છું ભૂલવા પણ વાત એ ભૂલી નથી શકતો,
હજી એ આંખ ભીની, રાત ભારી યાદ આવે છે.
-ઘાયલ
પત્ર મૂકી દઇશ હું પંખીની રાતી ચાંચમાં,
તુજને મળશે ઘર, ઝરૂખો, સાંજ ને બારી પ્રિયે.
-ભગવતીકુમાર શર્મા
તારાં તમામ રૂપ મને તો પસંદ છે,
વર્ષા બને, વસંત બને કે શરદ બને.
-ઘાયલ
તમારાં આજ અહીં પગલાં થવાનાં,
ચમનમાં બધાં ને ખબર થઇ ગૈ છે,
ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ
ફૂલોની ય નીચી નજર થૈ ગઇ છે.
-ગની દહીંવાલા
હજી પણ દર્દ થઇને આપની યાદી સતાવે છે,
થયાં ઘણાં વર્ષો પણ હું ન ટેવાયો પ્રતીક્ષાથી.
-મરીઝ
સંજોગ સમય ને સ્થિતિ સર્વ છે છતાં,
હું કોના ગીત ગાઉં તમારા ગયા પછી.
-મેહુલ
તારાથી ચે વિશેષ, છતાં પામવા તને ,
મૂકી દીધું છે હોડમાં મારું સ્વમાન પણ.
-કૈલાશ પંડિત
ન આવે નીંદ ગયાં એવું ખ્વાબ આપીને,
ગગન ન રહેવા દીધું આફતાબ આપીને.
-ઘાયલ
ડંખે છે દિલ ને કેવી એક અક્ષર કહ્યા વિના,
રહી જાય છે જે વાત સમય પર કહ્યા વિના.
-મરીઝ
જ્યાં સુધી નહોતા તમે, ખુદ ઝાંઝવાં તરસ્યા હતાં,
વાદળો પણ તમને જોઇને પછી વરસ્યાં હતાં.
-બેફામ
પથ્થરો ફાડીને ઝરણાં નીકળતાં થઇ ગયાં,
તમને જોયા બાદ પર્વત પણ પીગળતા થઇ ગયા.
-બેફામ
હતા એય દિવસો હતી એય રાતો,
અમે યાદ કરીશું અને રોયા કરીશું,
ઉઘાડી નજર સામે જે કૈં નથી એ,
અમે આંખ મીંચીને જોયા કરીશું.
-શેખાદમ આબુવાલા
તમે એક વાર જેને રાત દઇ જાઓ છો જીવનમાં,
દિવસ મળતો નથી એને સૂરજ ની રોશની માં.
-બેફામ
મુંઝવણ
કોઇ ના કાંઠા કિનારા, કોઇની છે આ નદી
કોઇ ના આપ્યાં હલેસાં, કોઇ ની હોડી હતી
કોણ છું; નાવિક? મુસાફર ? કે ધકેલાતો પવન?
તૂટતા વિખરાતા મોજાંને ધણી મુંઝવણ થઇ.
-ચિનુ મોદી
એંધાણી
કોઇ નાં પગલાં થયાં એ કોની એંધાણી થઇ ?
દર્પણો તૂટયાં, પછીથી કાચ ને વાણી થઇ ?
આપને માંગ્યું નહોતું એવું આ ક્યાં થી થયું?
તરફડેલી માછલીઓ કંપીને પાણી થઇ ?
-ચિનુ મોદી
જામ
જીવું છું આમ ને શું કામ છું હું ?
સૂરાલય માં પૂછાતું નામ છું હું.
હશે બેમાંથી કોની બદનસીબી ?
તમે અડક્યાં નહીં તે જામ છું હું.
-ચિનુ મોદી
મંજૂર
સૂર્ય પેઠે ઊગવું મંજૂર છે
ઓસ વચ્ચે ડૂબવું મંજૂર છે
આપનાં જો સ્વપ્ન સાંપડતા હશે
રાતદા’ડો ઊંધવું મંજૂર છે.
-ચિનુ મોદી
મહેલ
આ બધું જે છે સમયનો ખેલ છે
ચપટી માટીથી ચણેલો મ્હેલ છે
વન, નગર કે સૂના,ઘરનું આંગણું
બોબડા પોપટ ને મન સૌ જેલ છે.
-ચિનુ મોદી
આગવું અસ્તિત્વ મારું તમને હું અર્પણ કરું,
હોય જે વ્યક્તિત્વ મારું તમને હું અર્પણ કરું.
-બેફામ
દીપ જેવાં આ નયન ની રોશની મારી નથી,
ચાંદ જેવાં આ વદનની ચાંદની મારી નથી.
-બેફામ
તમે એકાંત સમજી પાસે આવીને ઊભા છો પણ
આરીસા માં જો મારો ચહેરો દેખાશે તો શું કરશો?
-સૈફ પાલનપુરી
હાથ શું આવી તારી ગલી,
જિંદગીનો પંથ ટૂંકો થઇ ગયો.
-આદિલ મન્સૂરી
અગર ખંજર જિગર માં છો તમે આ ભોંકનારા,
દુઆ માંગી રહ્યો છું હું સદા હકમાં તમારા.
-પતીલ
આવી હતી બહાર કદી ઘરને આંગણે,
ને હું જ બહાર હતો- કોણ માનશે ?
-રતિલાલ ‘અનિલ’
તમને જોયાં તો બગીચા ની હવા બદલાઇ ગઇ,
પાનખર પોતે વસંતો માં પાછી પલટાઇ ગઇ.
-બેફામ
ચાલ વરસાદ ની મોસમ છે, વરસતાં જઇએ,
ઝાંઝવા હોય કે હો દરિયાવ, તરસતાં જઇએ.
-હરીન્દ્ર દવે
જે જલાવે જાત, એ ધબકાર લઇને શું કરું ?
પારકો જે થઇ ગયો એ પ્યાર લઇને શું કરું ?
-બેફામ
સળગતો શબ્દ પણ પીંખાયેલા પરિવાર જેવો છે,
મને ના વાંચ , હું ગઇકાલ ના અખબાર જેવો છું.
-ગની દહીંવાલા
સનમ હવે આ જમાનામાં કોઇ ભય કેવો?
હવે તો લોકનાં ટોળાં જ છે, સમાજ નથી.
-મરીઝ
અમારા દિલમાં વસવા આપને પરવાનગી કેવી?
કદી મંદીર ના દરવાજા ઉપર તાળાં નથી હોતાં.
-જલન માતરી
કેવાં જાલિમ છો કે મુજને દિવસભર સતાવો છો,
કેવાં સારા છો કે રાતે સ્વપ્નામાં આવો છો.
-સૈફ પાલનપુરી
તારી છાયાનો ફકત અંધકાર લઇ ને શું કરું ?
પારકો જે થઇ ગયો છે એ પ્યાર લઇ ને શું કરું.?
-બેફામ
આ મારું મૌન જોઇ ને ભૂલો ના દોસ્તો,
આજેય દિલના દર્દની દુનિયા સજાગ છે.
-ઓજસ પાલનપુરી
કિસ્મતમાં કોઇ ના, કદી એવી પ્રીત ન હો,
જેમાં મિલન ના હોઠે જુદાઇ ના ગીત હો.
-શૂન્ય પાલનપુરી
અમારા પ્રેમ ના પત્રોની લાજ રહી જાએ,
તમે ભલાઇ ન કરજો જવાબ આપીને.
-મરીઝ
ન આવે નિંદ ગયા એવું ખ્વાબ આપીને,
ગગન ન રહેવા દીધું આફતાબ આપીને.
-મરીઝ
આ મુહોબ્બત છે કે એની દયા, કહેતા નથી,
એક મુદત થઇ કે તેઓ હા કે ના કહેતા નથી.
-મરીઝ
ઉતરી ગયાં છો આપ નજરથી હ્ર્દય સુધી,
પહોંચી ગઇ છે વાત હવે તો પ્રણય સુધી,
આ ઇન્તજાર ની મઝા એટલી ગમી,
જોશું અમે તો રાહ તમારી પ્રલય સુધી.
-શિવકુમાર સાઝ
મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીતથી,
નહોતી ખબર કે એમાં કલા હોવી જોઇએ.
-મરીઝ
જમાનાની મરજીનો આદર કરીશું,
વિખૂટાં પડીને મુલાકાત કરીશું.
-શેખાદમ આબુવાલા
ચંદ્ર જોઇ તમને પામે છે પોતાનો ઉજાસ,
ના જુએ તમને તો પૂનમ રાત પણ લાગે અમાસ.
-બેફામ
સાથે મળીને સ્વપ્નામાં બાંધેલ એક મહેલ,
કંકર એ મહેલ નો હજી એકે ખર્યો નથી.
-લલિત ત્રિવેદી
લઇ શોધ મારી જ્યારે જગત નીકળ્યું હશે,
તારી ગલી માં મારું પગેરું મળ્યું હશે.
-દિલેર
સપના રુપે ય આપ ન આવો નજર સુધી,
ઊડી ગઇ છે નિંદ હવે તો સહર સુધી.
-બેફામ
દિવસો વીતેલા આવશે ફરી આશ દિલને ના રહી,
સ્મરણોની સંગાથે સમય ગાળું નહીં તો શું કરું ?
-ચન્દ્રા જાડેજા
તારા વિરહ માં ફૂલ જે ખીલ્યાં નથી હજી,
સ્વપ્નામાં એને મ્હેક ની માળાઓ પ્રોવું છું.
-ભગવતીકુમાર શર્મા
વાત સાચી હોય તો કહી દો, ના રહો ભારમાં,
સાંભળ્યું છે કે પડયા છો, આપ મારા પ્યારમાં.
- જલન માતરી
તમારાં આજ અહીં પગલાં થવાનાં,
ચમનમાં બધાં ને ખબર થઇ ગૈ છે,
ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ,
ફૂલોની ય નીચી નજર થૈ ગઇ છે.
- ગની દહીંવાલા
તને જોયા કરું છું પણ મિલનમોકા નથી મળતા,
સિતમ છે, સામે મંઝિલ છે અને રસ્તા નથી મળતા.
-મરીઝ
હાલ-બેહાલ થયો તારી જુદાઇ માં હું,
ભય હવે છે કે મુલાકાત પછી શું થાશે ?
-દર્દમન્દ વાસાવડી
તમારી ને અમારી પ્રીત વચ્ચે એ જ છે અંતર,
અમારી આંખ ભીની છે, તમારી આંખ કોરી છે.
-ઘાયલ
પ્રણય માં જિંદગી વીતી ગઇ છે, ને વીતી જાશે,
હવે આ ખૂબસૂરત ભૂલ શું કરશું સુધારીને.
-ખલિશ બડોદવી
ક્યારનો સંબંધ બેઉને થતો,
પહેલ તું કર, એ જ મારી જક હતી.
-ચિનુ મોદી
ઉદાસી આ સૂરજ ની આંખે ચઢી છે,
તમારા વિના સાંજ ડૂસકે ચડી છે.
-ભગવતીકુમાર શર્મા
પ્યારું તજીને પ્યાર કોઇ આદરે છેલ્લી સફર,
ધોવાઇ યાદી ત્યાં રડાવે છે જુદાઇ આપની.
-કલાપી
હવે પલક થી કદી આંસુઓ નહીં ટપકે,
કરે છે મૌન હવે દિલની દાસ્તાન તમામ.
-શૂન્ય પાલનપુરી
મિલન ના કોલ વિના રાહ એની જોવી,
એ મશ્કરી છે મહોબ્બત ની, ઇંતેજારી નથી.
-મરીઝ
હોય ના કાંઇ ખુલાસા
પ્રેમ છે મૌનની ભાષા.
-દિલીપ પરીખ
આ શું કે આખા દિલ માં તમારું જ દર્દ હો,
થોડી જગા કરો કે જગનો ય ગમ રહે.
-મરીઝ
મહેકે ન આમ મારું આંગણ અવાવરું,
નક્કી એ મારા ઘર સુધી આવી ગયા હશે.
-સૈફ પાલનપુરી
તારી તસવીર તો બેઠી છે અબોલા લઇને,
મારી સાથે જ મને વાત કરી લેવા દે.
-બેફામ
દુઃખ પ્રીતનું જ્યાં ત્યાં ગાવું શું ?
ડગલે ડગલે પસ્તાવું શું ?
એ જો કે વસમી ઠોકર છે
પણ ખાઇ જવામાં લિજ્જ્ત છે.
-ઘાયલ
મારા વિના કહો મને, એને સંઘરશે કોણ,
ચિન્તા નથી ખુશીની, પણ આ ગમનું શું થશે.
-શેખાદમ આબુવાલા
તમને જોયાં એટલે સૌ ફૂલ છે આ બાગ માં,
ના જુએ તો એ હજી પણ શૂલ છે આ બાગ માં.
-બેફામ
ફૂલો એ કેમ જાણી હશે આપણી કથા ?
મેં તો ચમન માં કોઇને વાત કરી નથી.
-હરીન્દ્ર દવે
પાસે ગયા તો એમને ખુશ્બૂ જ ના મળી,
મોહ્યા હતા જે દૂર થી ફૂલો ના રંગ પર.
-બેફામ
પ્રેમ ને કારણ આજ લગી મેં,
એક જ ધારી હાલત જોઇ,
દિવસો કાઢ્યા વલખાં મારી,
રાત વિતાવી છાનું રોઇ.
-શૂન્ય પાલનપુરી
ચાલ, સંબંધોનું કોઇ કોણ-માપક શોધીએ,
કે હ્રદય ને કેટલા અંશો સુધી છેદાય છે.
-નયન દેસાઇ
આ રસ્તે આવવાની ઉતાવળ કરો નહીં,
આંખ મેં આખે રસ્તે હજુ પાથરી નથી.
- હરીન્દ્ર દવે
Kindly Bookmark and Share it:
Related Posts: સુવિચારો,
હસો અને હસાવો,
shayri
0 comments: