જે છે તેના કરતાં એને જુદા રૂપમાં જોવું તે જ સર્જનાત્મકતાનો મુખ્ય સિદ્ધાંત છે. નવી તકોને ઓળખવાની દ્રષ્ટિ કેળવવી પડે છે. કંઇ પણ નવું શોધવા માટે જોખમ લેવું પડે છે. ક્યારેક જેની શોધમાં નીકળ્યા હોઇએ તેના કરતાં જુદું જ મળે છે. જુદા વ્યવસાયના લોકોએ તદ્દન નવી જ શોધ કરી છે. જેમ કે એક સંગીતકારે કેમેરા ફિલ્મ અને એક પત્રકારે પાર્કિંગ મીટર. સર્જનાત્મક વિચારોના લીધે જ આવું બને છે. ખુલ્લા મન અને જિજ્ઞાસા વિના જ્ઞાન મળતું નથી. મનમાં ઊઠતાં નવા પ્રશ્નો નવી દિશા બતાવે છે. સામાન્ય રીતે નહીં પરંતુ ધ્યાનથી જોવાની વૃત્તિ (ઓબ્ઝર્વેશન) કેળવવી જરૂરી છે. એક સામાન્ય ઘટનાને ન્યૂટને ધ્યાનથી જોઇ ત્યારે ગુરુત્વાકર્ષણના નિયમની શોધ થઇ.
કંઇક નવું શીખવા માટે સારા શ્રોતા બનવું જરૂરી છે. જિજ્ઞાસા જગાડે તેવી પ્રવૃત્તિ પર ધ્યાન આપો. જે વાંચનમાં કંઇક જ ગ્રહણ કરવા જેવું ન હોય તે વાંચન પણ નકામું છે. મનમાં ઘડાતી દરેક યોજનાની લેખિત નોંધ રાખવાની આદત પાડૉ. મનની ઇચ્છાને પૂર્ણ કરવા સક્રિય થઇ જાઓ, પ્રેરણાની રાહ ન જુઓ. સર્જનાત્મક વિચારો કંઇક નવું કરવાનો જોશ આપે છે. એ પદ્ધતિસર હોય તે જરૂરી નથી. ઘણા લેખકોને નવલકથા શરૂ કરતી વખતે એના અંતની સ્પષ્ટતા નથી હોતી. એમની સર્જનાત્મકતા નવી દિશા આપે છે અને કંઇક નવું કરી બતાવવાની શક્તિ પણ આપે છે. કોઇ પણ કામમાં સફળ થવા માટે વિચારોની સ્વતંત્રતા જરૂરી છે.
બીજાઓની ટીકાને આવકારવાની વૃત્તિ કેળવો. જો ટીકા સાચી હોય તો તે પ્રમાણે સુધારો લાવવાની કોશિશ કરો અને જો ખોટી હોય તો એને ભૂલી જાઓ. દરેક વ્યક્તિ પાસે પ્રતિભા હોય છે. આ પ્રતિભા ક્યા ક્ષેત્રમાં છે તે આપણે પોતે ઓળખવું પડે છે. દરેક બાબતમાં આપણા જવાબો કરતાં પ્રશ્નો વધારે મહત્વના છે. પ્રશ્નોનો અંત એટલે જિજ્ઞાસાનો અંત જે પ્રગતિ માટે હાનિકારક છે. સ્થિતિ સારી કે ખરાબ હોય તેના કરતાં દરેક સ્થિતિમાં તમે કેવી રીતે વતોg છો તે મહત્વનું છે. સર્જનાત્મક વિચારો ધરાવનાર વ્યક્તિ માટે નિષ્ફળતાનો ડર નથી હોતો. કોઇ પણ પ્રયાસને અધવચ્ચે પડતો મૂકવો એ સૌથી મોટી ભૂલ છે.
0 comments: