લગ્ન અને હનીમૂન
‘પણ અરૂપ, અમે સાથે જ મોટાં થયાં, સાથે જ સ્કૂલે જતાં-આવતાં, સાથે જ...’ ‘બસ... બીજું શું શું સાથે કરતાં?’ અરૂપ બોલ્યો
અંતે એક દિવસ ઇતિના લગ્ન બહુ જલ્દીથી થઈ ગયા. અનિકેત વિના જ થઈ ગયા. એક મહિનામાં જેમ અનિકેત ગયો ત્યારે વિચારવાનો સમય નહોતો મળ્યો તેમ જ આ એક મહિનામાં ઇતિને કશું વિચારવાનો સમય જ ન મળ્યો અને સગાઈ, લગ્ન બધું મહિનામાં પૂરું અને ઇતિ અરૂપની ગૃહલક્ષ્મી બનીને અરૂપને ઘેર આવી. સાસરે આવી, લગ્ન પછી તુરત અમેરિકા જવાનું છે એમ કહી લગ્નની ઉતાવળ તો અરૂપે કરાવી, પરંતુ લગ્ન પછી તેનો નિર્ણય બદલાઈ ગયો.
લગ્ન પછી અરૂપે અમેરિકા જવાને બદલે દેશમાં હંમેશ માટે રહેવાનું નક્કી કર્યું. ઇતિનાં મમ્મીપપ્પા તો દીકરી દૂર નહિ જાય એ વિચારે ખુશ થયાં. ઇતિને તો હજુ સુધી પૂરી ખબર જ નહોતી પડતી. જેમ બધા કહે તેમ તે કરતી ગઈ હતી. વિચારવાની શક્તિ જાણે તે ખોઈ બેઠી હતી. એક ધરામાંથી ઊખડેલો તુલસીક્યારો બીજી ધરામાં ધરબાઈ રહ્યો હતો. હવે તેને ત્યાં જ વિકસવાનું હતું, ફૂલવાફાલવાનું હતું.હનીમૂન માટે કેરાલાની રમ્ય વનરાજીમાં અરૂપ સાથે ઘૂમતા ઇતિના મનોપ્રદેશમાં વીજળીની જેમ અનિકેત ક્યારેક ચમકી જતો, ક્યાં હશે એ? નાળિયેરીના ઝૂંડમાંથી ચળાઈને આવતા સૂર્યનાં કિરણોના પ્રકાશ કે પાંદડાંમાંથી ટપકતા વરસાદનાં પાણીનાં ટીપાંની સાથે ક્યારેય અનિકેતની યાદ મહેકી ઊઠતી. કેરાલાના રમણીય સાગર કિનારે તેને પ્રસન્નતા અર્પી.
આમ પણ દરિયો તો તેનો શૈશવનો સાથીદાર, તેની ભીની રેતી કે ઊછળતાં મોજાં સાથે તે કલાકો સુધી વાતો કરી શકતી અને આમ પણ અરૂપ તેને ખુશ કરવાના સઘળા પ્રયત્નો કરતો. ઇતિ માટે તેની આંખોમાં સ્નેહ છલકતો રહેતો. પહેલી જ નજરે ઇતિને જોઈ ત્યારથી જ તેને ઇતિ ગમી ગઈ હતી અને હવે ઇતિ તેની હતી, તેના એકલાની, તેથી તે સ્વાભાવિક રીતે જ ખુશખુશાલ હતો. યૌવનનો ઉન્માદ, મનગમતો સાથી, પ્રકૃતિનું અનુપમ સૌંદર્ય અને પોતાનો પ્રેમ, અરૂપના મનમાં કોયલના ટહુકાર અને મોરના કેકારવ. અરૂપ પોતાના શૈશવની અગણિત વાતો કરતો રહેતો અને ઇતિને પણ તેની શૈશવની વાતો પૂછતો. ઇતિ અથાહ ઉત્સાહથી વાતો કરતા થાકતી નહિ અને ઇતિના શૈશવની વાતો અનિકેત સિવાય તો થઈ જ કેવી રીતે શકે? તેની એક એક વાતમાં ઇતિ ઇચ્છે કે ન ઇચ્છે અનિકેતની હાજરી ડોકિયા કરતી રહે એ સ્વાભાવિક જ હતુંને.
અરૂપ કહેતો,‘હું તારી વાત પૂછું છું અને તારી વાતમાં તારા કરતાં તો આ અનિકેતની વાતો જ વધારે હોય છે. એ સિવાય કોઈ વાત નથી તારી પાસે?’‘પણ અરૂપ, અમે સાથે જ મોટાં થયાં, સાથે જ સ્કૂલે જતાં આવતાં, સાથે જ..’‘બસ, બીજું શું શું સાથે કરતાં?’‘અરે બધું, બધું જ તો સાથે કરતાં હું ને અનિકેત અને એટલે જ મારી વાતમાં અનિકેતની વાત આવે જને?’ નિર્દોષતાથી ઇતિ ચહેકી ઊઠતી. તેની વિશાળ આંખોમાં એક ચમક પ્રગટતી. તેને થતું તે વાતો, અનિકેતની વાતો કર્યા કરે અને અંતરનાં દ્વાર ખોલી નાખે અને પછી અરૂપમય બની રહે, પણ...‘તો નથી સાંભળવી મારે તારા અનિકેતની વાત.’
પોતે અનિકેતની વાત ક્યાં કરતી હતી? તે તો પોતાની વાત કરતી હતી. અરૂપ શા માટે ગુસ્સે થતો. એ ઇતિની સમજમાં કેમેય ન આવતું અને શૈશવની જ નહિ તેની ડાન્સની કે તેની કોલેજની કે તેની કોઈ પણ ક્ષણની વાત કરે ત્યારે અનિકેતને તેમાંથી બાકાત રાખવો એ ઇતિ માટે ક્યાં શક્ય હતું? જોકે અરૂપનો ગુસ્સો કંઈ લાંબો ચાલતો નહિ. ઇતિને તે ખૂબ પ્રેમ કરતો. ઇતિ તેને માટે સર્વસ્વ હતી પણ, ઇતિ હોંશથી અનિકેતની અને પોતાની વાત અરૂપને કરતી રહી.
કેવી રીતે અનિકેતે તેના આરંગેત્રમની તૈયારીઓ કરી હતી. કેટલો હેરાન થયો હતો દિવસો સુધી. અરૂપે એક પણ શબ્દ ઉચ્ચાર્યા સિવાય બધી વાતો સાંભળી હતી. ઇતિની આંખમાં અનિકેતના નામના ઉચ્ચાર સાથે પ્રગટતી એક સ્વાભાવિક ચમક અરૂપે જોઈ હતી. અનુભવી હતી, પણ સમજી નહોતી અને ઇતિ પાસે તો અનિકેતની વાતોનો વણખૂટ્યો ખજાનો હતો.
ઇતિએ અનુભવ્યું કે અનિકેતની વાતે અરૂપ તુરત વાત બદલાવી નાખે છે અને બે ચાર વાર અરૂપનો ગુસ્સો જોઈ ધીમે ધીમે કાચબો અંગો સંકોરી લે તેમ ઇતિએ પોતાની વાતો સંકોરી લીધી. અરૂપને અનિકેતની વાત નથી ગમતી એ સમજાયું, પરંતુ શા માટે નથી ગમતી? એ ઇતિની સમજ બહાર રહ્યું. ઇતિની વાતો બહાર આવતી બંધ થઈ ગઈ. ઇતિએ જાણે એ દરવાજો બંધ કરી દીધો હતો, જેને એ પોતેય હવે કદાચ ખોલવા નહોતી માગતી.
0 comments: