કાઉન્ટર પરનો કાચનો ગ્લાસ જમીન પર પડીને તૂટે તેના અવાજથી બચવા માટે કાન પર હાથ દાબી દેવાથી કશું વળતું નથી. ખરેખર તો માણસે ગ્લાસને તૂટતો બચાવવાનો હોય છે. એ માટે શીઘ્ર નિર્ણય લઇને સામે દોડવાનું હોય છે અને ગ્લાસ જમીન પર પડે તે પહેલાં તેને પકડી લેવાનો હોય છે.
રોબિન શર્મા કહે છે તેમ ‘જો તમે કશું પણ હાંસલ કરવા માગતા હો તો કાર્ય કરવા માંડો અને તમે નક્કી કરેલું ધ્યેય પૂરેપૂરું પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કાર્ય કરતા રહો.
રોબિન શર્માએ ‘હુ વિલ ક્રાય વ્હેન યુ ડાય’ નામના પુસ્તકમાં જીવનને પદ્ધતિસર જીવવા માટે ઉપકારક થાય તેવા લઘુલેખો લખ્યા છે. જીવનને સકારાત્મક રીતે જીવવા માગતા લોકોમાં તે પુસ્તક વખણાયું છે. એમાં એમણે એક લેખમાં માણસે પોતાની જિંદગીમાં આવતી ઉતાર-ચઢાવવાળી પરિસ્થિતિઓમાં જાતને સંજોગોથી દોરવાતી અટકાવીને કોઇપણ પરિસ્થિતિ પર કાબૂ મેળવી લેવાની વાત પર ભાર મૂક્યો છે. એમણે લખ્યું છે: ‘ઘણા લોકો પોતાના ભવિષ્યને ચાન્સ પર છોડી દે છે, તેઓ પોતાની પસંદગી મુજબનું ભવિષ્ય ઘડવાની તકો ઊભી કરવાનો પ્રયત્ન કરતા નથી.’ એ સંદર્ભમાં એમણે એમના ભાઇનો દાખલો આપ્યો છે. એક વાર એમના ભાઇએ જોયું કે કાઉન્ટર પર મૂકલો કાચનો ગ્લાસ નીચે પડી રહ્યો હતો.
ભાઇએ દોડતા જઇને ગ્લાસને જમીન પર પડતો બચાવવાની કોશિશ કરી નહીં, પરંતુ ગ્લાસ જમીન પર પડીને તૂટે તે વખતે થનારા અવાજથી બચવા માટે એમણે બંને હાથ પોતાના કાન આડા મૂકી દીધા હતા.આ વલણ એક જાતનું પલાયન છે. એવી પલાયનવૃત્તિ માણસને આવી પડેલી પરિસ્થિતિમાંથી ઊગરવામાં સહાય કરતી નથી. એમને લાગે છે કે એમના માટે બહાર નીકળવાનો કોઇ માર્ગ રહ્યો જ નથી. ઊભી થયેલી પરિસ્થિતિમાંથી સામી છાતીએ રસ્તો શોધવાની તૈયારી ન હોય તેવા લોકો અનેક પ્રકારની નકારાત્મક માનસિક ગ્રંથિથી પીડાવા લાગે છે.
એમને લઘુતાગ્રંથિનો ભોગ બનવું પડે છે. એ કારણે તેઓ સમાજમાં અન્ય લોકો સાથે મુક્ત રીતે હળીમળી શકતા નથી. એમને પોતાના વ્યક્તિત્વ, કાર્યક્ષમતા, નિર્ણયશક્તિ જેવી બાબતો પર ભરોસો રહેતો નથી. એમને સતત નિષ્ફળતાનો, હાસ્યાસ્પદ લાગવાનો, અપમાનિત થવાનો ભય લાગે છે. એમને ચારે બાજુથી એમનો અસ્વીકાર જ થતો હોય તેવી લાગણી રહે છે.
એવું કહેવાય છે કે જિંદગીના નાના-મોટા પડકારોનો સામનો કરવાની તૈયારી ન ધરાવતા લોકો વાસ્તવિકતાથી બચવા માટે ધીરે ધીરે પોતાના મનમાં કાલ્પનિક દુનિયા ઊભી કરી લે છે અને તેમાં જ ખોવાઇ જવાનું પસંદ કરવા લાગે છે. એમની એ દુનિયા એમને અનુકૂળ આવે તેવા જ વિચારોથી ભરેલી હોય છે. તેઓ વાસ્તવિકતાનો સામનો ન કરવા માટે જરૂરી બહાનાં બનાવી લે છે અને પછી એના એટલી હદ સુધી શિકાર થઇ જાય છે કે પોતે જ બનાવેલાં બહાનાંને તેઓ સાચાં માની લે છે. હદ બહારની પલાયનવૃત્તિનો ભોગ બનેલા લોકો પોતાનો વધારેમાં વધારે સમય ટેલિવિઝન, સિનેમા જેવાં મનોરંજન અને સમય પસાર કરવા લાગે છે. અથવા ડ્રગ્સના સેવન જેવા વિનાશક માર્ગે પણ ચઢી જાય છે.
રોબિન શર્મા તમારા જીવનના તમે જ ચીફ એક્ઝિક્યુટિવ બનો તેવી સલાહ આપે છે. દરેક ક્ષેત્રના મુખ્ય સૂત્રધારો સતત વિચારતા હોય છે: ‘જો કશું પણ સિદ્ધ કરી શકાશે તો તે મારે લીધે જ શક્ય બનશે.’ આ પ્રકારની વિચારણામાં કારણ વિનાની આત્મપ્રશંસા નથી, પરંતુ છલોછલ આત્મવિશ્વાસ છે. એવો આત્મવિશ્વાસ ધરાવતા લોકો એમનાં સપનાં સાચાં પાડવા માટે દ્રઢ રીતે સક્રિય બને છે, સામે આવતા પડકારોને સામી છાતીએ ઝીલે છે, સમસ્યામાંથી રસ્તા કાઢે છે. રોબિન શર્મા કહે છે તેમ ‘જો તમે કશું પણ હાંસલ કરવા માગતા હો તો કાર્ય કરવા માંડો અને તમે નક્કી કરેલું ધ્યેય પૂરેપૂરું પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કાર્ય કરતા રહો.
જો તમને લાગે કે તમારી સમસ્યામાંથી રસ્તો કાઢી શકવામાં મદદરૂપ તેવી કોઇ વ્યક્તિ છે તો વિનાસંકોચે એનો સંપર્ક સાધો. યાદ રાખો કે યા તો તમે તમારું કામ પૂરું કરી ન શકવા માટે બહાનાં ઉપજાવી શકો, યા તો તમે પ્રગતિ કરી શકો-તમે આ બંને બાબતો એકસાથે ન જ કરી શકો.’
સફળતાનો માર્ગ પસંદ કરનાર લોકો એમને જે જોઇએ છે તે પ્રાપ્ત કર્યા વિના જંપતા નથી. રોબિન શર્માના શબ્દોમાં કહીએ તો તેઓ માત્ર પેસેન્જરોની જેમ મુસાફરી કરતા નથી, પરંતુ જહાજના કેપ્ટનની જેમ નિર્ણયો લે છે, દિશા નક્કી કરે છે, અને બદલતી પરિસ્થિતિની સાથે પોતાનું સુકાન બદલીને યોગ્ય દિશામાં જહાજને દોરે છે. કાઉન્ટર પરનો કાચનો ગ્લાસ જમીન પર પડીને તૂટે તેના અવાજથી બચવા માટે કાન પર હાથ દાબી દેવાથી કશું વળતું નથી. ખરેખર તો માણસે ગ્લાસને તૂટતો બચાવવાનો હોય છે. એ માટે શીઘ્ર નિર્ણય લઇને સામે દોડવાનું હોય છે અને ગ્લાસ જમીન પર પડે તે પહેલાં તેને પકડી લેવાનો હોય છે.
0 comments: