ઇતિ હતી જ એવી. બધા જેવી છતાં બધાથી અલગ અને એ અલગતાનો અરૂપ દીવાનો હતો. ઇતિની સરળતા, મુગ્ધતા તેને ઘણી વાર સમજાતી નહિ, પરંતુ આકર્ષી જરૂર રહેતી. ત્રીસ વરસની ઇતિમાં સોળ વરસની ચંચળતા, મુગ્ધતા હજુ અકબંધ હતી. નાની નાની વાતમાં તે ખિલખિલાટ હસી ઊઠતી અને ક્યારેય કોઈ વાત ન ગમે તો એક મૌન ઓઢીને રહી જતી, પરંતુ ત્યારે તેની મોટી, વિશાળ, પાણીદાર આંખોમાં કોઈ અકલ ઉદાસી તરવરી રહેતી. જોકે અતિ સરળ ઇતિ વધારે વાર ઉદાસ ન રહી શકતી.
શહેરથી દૂર આવેલ આવડા વિશાળ બંગલામાં એકલાં એકલાં શું કરવું તે ઇતિને ક્યારેય સમજાતું નહિ. બપોરે ઊંઘવાની તેને આદત નહોતી. કોઈ ક્લબમાં કે કોઈ કિટ્ટી પાર્ટીમાં જવાનું તેને ક્યારેય ગમ્યું નહોતું. વાંચી વાંચીને તે કેટલું વાંચે? સવાર અને સાંજ તો બગીચા અને હીંચકાને સથવારે સરસ મજાની પસાર થઈ જતી, પરંતુ બપોરનો સમય ક્યારેય જલદી ખૂટતો નહિ.
આજે પણ એવી જ ધીમી ગતિના સમાચાર જેવી એક બપોર હતી. રોજની જેમ જ સૂર્ય પોેતાનાં તેજ કિરણોથી વૃક્ષોને હંફાવી રહ્યો હતો. ઇતિ ઘરની અંદરના હીંચકા પર બેસી રીમોટની સ્વિચો આમતેમ ફેરવી રહી હતી. શું કરવું તે ઇતિને સમજાતું નહોતું. અરૂપને કહેશે તો અરૂપ તુરત કહેશે, ‘અરે, ગાડી છે, ડ્રાઇવર છે અને સુરત શહેરમાં ક્લબો કે સંસ્થાનો ક્યાં તૂટો છે? જ્યાં મન થાય ત્યાં જતી હો તો...’ પરંતુ ઇતિને એવું કશું ગમતું જ નહોતું અને પોતાને જે ગમતું હતું તે અરૂપને નહોતું ગમતું અને અરૂપને ન ગમે તે કરવાનું ઇતિને મન ન થતું.
કંટાળેલી ઇતિ ટીવીની સ્વિચ બંધ કરવા જતી હતી ત્યાં ફોન રણકયો. થોડા કંટાળાથી ઇતિએ ફોન ઊંચકયો. આ બળબળતી બપોરે વળી કોણે તેને યાદ કરી? ત્યાં ફોનમાંથી મમ્મીનો અવાજ રેલાયો. ‘ઇતિ બેટા કેમ છો?’ ઇતિ તુરત લીલીછમ. મમ્મીના ‘કેમ છો?’નો ઇતિ કોઈ જવાબ આપે તે પહેલાં જ... ‘બેટા, અનિકેત આવ્યો છે અને તને બહું યાદ કરે છે. બને તો એક વાર અહીં આવી જા.’
અને વાત આગળ ચાલે કે ઇતિ પૂછે તે પહેલા ફોન કપાઈ ગયો. જેને પસાર થઈ ગયેલી ક્ષણો માનીને બેઠી હતી. એ ક્ષણો અંદર આટલી હદે.. મુગ્ઘાવસ્થાના મોંસૂઝણામાં ફૂટેલ કૂંપળો ઘેઘૂર વૃક્ષ બનીને અંદર કોઈ ખૂણામાં સચવાયેલ હતી? કેટલાક સંબંધોની સુવાસ, કુમાશ, મુગ્ધતા અને રોમાંચ કાળના સ્પર્શથી પણ વણબોટાયેલ રહેતા હોય છે?
અને તે અજ્ઞાત હતી. આ બધાથી? મનની સામે કરેલ કિલ્લેબંધી એક કાંગરો ખરતાં જ ઇતિના મનની ક્ષિતિજે તેજના ટશિયા ફૂટી નીકળ્યા. ‘અનિકેત આવ્યો છે અને તને યાદ કરે છે.’ ફોનમાંથી રેલાતા મમ્મીના આ શબ્દો તેના મનમાં પડઘાતા રહ્યા. ‘અનિકેત’ હૃદયના અજ્ઞાત ખૂણામાં થીજી ગયેલ એક નામ. એ ઉચ્ચાર સાથે જ અસ્તિત્વમાં જાણે પીઠીવરણું પ્રભાત ઊઘડી રહ્યું. ચહેરા પર ઉષાની લાલાશ, એક ઉજાસ ને એ ઉજાસમાં ઊઘડ્યા અતીતનાં કદી ન વિસરાયેલ અનેક દ્રશ્યો.
આ વરસે ઇતિ પ્રથમ વાર ગૌરીવ્રત રહી હતી અને તેથી આજુબાજુની તેના જેવડી બધી છોકરીઓ સાંજે સાથે મળીને રોજ કંઈ નવી રમતો રમતી હોય. આજે આભાનાં મમ્મી પોતાની દીકરીની સાથે બધી છોકરીઓને ગીત ગવડાવતાં હતાં અને એકશન શીખવાડતાં હતાં. છોકરીઓ ઉમંગે છલકતી નાચતી હતી.
‘હો મારા આંગણામાં... નાચે મોર...
કે મોરને પૂછે ઢેલ...
કે ઢેલ ને પૂછે મોર..
કોણ આવ્યો તો ચોર?’
અને થોડે દૂર ચૂપચાપ ઊભેલ અનિકેતને જોઈ ઇતિને જાણે ચાનક ચડી હતી. તેણે મસ્તીથી લલકાર્યું હતું. ‘અનિકેત આવ્યો ‘તો ચોર...’ બધી છોકરીઓએ તેને હસીને ઝીલી લીધું હતું અને તેમના મુક્ત, ચંચળ હાસ્યથી વાતાવરણ ગૂંજી રહ્યું. અનિકેત રિસાઈ ગયો હતો. આમ પણ આ પાંચ દિવસથી તે થોડો એકલો પડી ગયો હતો. તે છોકરો હતો અને તેનાથી આ વ્રત ન કરાય.
‘કેમ ન કરાય?’ એવા તેના પ્રશ્નનો જવાબ આપવાને બદલે તેની અને ઇતિની મમ્મી કેટલું હસતાં હતાં. અનિકેત ગુસ્સે થઈને ત્યાંથી દોડી ગયો હતો. પોતે છોકરી હોત તો? એવો વિચાર પણ તેના બાળમનમાં આવ્યો. જાણે એકની એક ટેપ બંધ આંખો સામે રિવાઇન્ડ થઈ રહી હતી. ક્યાં? કેમ? ઇતિ પરસેવે રેબઝેબ થઈ ને અનાયાસે ઇતિની પાંપણો જોશથી બીડાઈ ગઈ. ક્રમશ
0 comments: