દરિયા કિનારે રેતીનું ઘર
સાસરે કશો અભાવ લાગતો હોય ઇતિને તો તે દરિયાનો, નાનપણથી દરિયાકિનારે ઉછરેલી ઇતિને દરિયા વિના અતડું લાગતું હતું
ઇતિ અને અનિકેત બંને વર્ષોથી બાજુબાજુમાં રહેતાં હતાં અને બંનેનાં ઘર વચ્ચે, પાડોશી વચ્ચે સુગંધી સંબંધો હતા. અનિકેતનાં મમ્મી સુલભાબહેન અને ઇતિનાં મમ્મી નિશાબહેન બંને પાક્કાં બહેનપણી. નિશાબહેનના ગુજરાતી વાતાવરણની મજા સુલભાબહેન માણતાં તો સુલભાબહેનના ઘરના પંજાબી રીતિરિવાજોમાં નિશાબહેન સામેલ થતાં. બંને કુટુંબ વચ્ચે એક ઘરોબો સ્થપાઈ ગયેલો, કોઈ ભેદભાવ વિનાનો. ઇતિ અનિકેતની જેમ જ આ બંને બહેનપણીઓ પણ હંમેશાં સાથે જ હોય.
કોઈ ફોર્માલિટી વિનાના દિલના સંબંધોથી જોડાયેલાં બંને કુટુંબો વચ્ચે ઇતિ અને અનિકેત ખીલતાં રહેતાં. તે દિવસે અનિકેતની બહેનના લગ્ન હતા. બહાર મંડપ નીચે ભાંગડાની રમઝટ ચાલી રહી હતી. ઇતિ અને અનિકેત પણ નવાં કપડાં પહેરી મહાલી રહ્યાં હતાં અને કૂતુહલથી બધી વિધિઓ જોતાં રહ્યાં હતાં. ઇતિ થોડી ગંભીર બનીને બધું નીરખી રહી હતી. કદાચ સાસરે જવામાં શું કરવાનું હોય તેનું નિરીક્ષણ કરી રહી હતી. અનિકેતની બહેન આજે કેવી સરસ લાગતી હતી. કેવી સરસ તૈયાર થઈ હતી.
સાસરે જવાનું હોય ત્યારે આવું તૈયાર થવાનું હોય. પોતે પણ આવી જ સરસ તૈયાર થશે, પણ ના, ના, પોતાને સાસરે જવું જ નથી. ત્યાં તો મમ્મી ન હોય, પણ કદાચ જવું પણ પડે. બધી છોકરીઓને જવું જ પડે. મમ્મી ખોટું થોડી કહે? અને અનિકેતની બહેનને વિદાયના સમયે રડતી જોઈ ઇતિની આંખો પણ છલકી આવી. દીદી આટલું રડે છે તો પણ આન્ટી તેને સાસરે શા માટે મોકલી દે છે તે ઇતિને કેમેય સમજાયું નહિ. અને તેમાંય નાનકડા અનિકેતને ભેટીને તેની બહેન રડી ત્યારે અનિકેત પણ બહેનને ભેટી મોટેથી રડી પડ્યો.
હવે બહેન તેનાથી દૂર જાય છે બીજે ઘેર તે સમજી ચૂકેલા અનિકેતનાં ડૂસકાં શમતાં નહોતાં અને અનિકેતને રડતો જોઈ ઇતિનાં આંસુ કેમ રોકાય? તેને તો આન્ટી પર ખૂબ ગુસ્સો આવ્યો, પણ શું કરે? અને પછી તો દીદી કારમાં બેસીને ચાલી ગઈ. વાતાવરણની ઉદાસી બંને ઘરમાં દિવસો સુધી પથરાઈ ગયેલી અને ઇતિએ તો મનમાં નક્કી કરી નાખેલું કે ‘ના રે, આપણે તો સાસરે જવું જ નથીને.’
અને છતાં ઇતિ સાસરે આવી જને? એકદમ અચાનક આવી. ખૂબ ઝડપથી આવી. જોકે સાસરે સાસુ તો નહોતાં. કોઈ દુ:ખ પણ આમ તો ક્યાં હતું? નાનપણમાં કલ્પના કરીને ડરતી હતી તેવું ખરાબ સાસરું પણ ક્યાં હતું? બધું જ સારું જ હતું. છતાં આજે કેમ કશુંક ખૂટતું હોવાની લાગણી મનમાં જાગી રહી છે.
સાસરે શરૂઆતમાં કશો અભાવ લાગતો હોય ઇતિને તો તે દરિયાનો. નાનપણથી દરિયાકિનારે ઉછરેલી ઇતિને દરિયા સાથે એક આત્મીયતા બંધાઈ ગયેલી. દરિયા વિના તેને અતડું લાગતું હતું, પરંતુ પછી તો એના વિના પણ રહેવાની આદત પડી ગઈ. અનિકેત જેવા અનિકેત વિના પણ તે આટલાં વર્ષો રહી જને? તો પછી દરિયાની શી વિસાત?
જોકે હવે તો છેલ્લાં પાંચ વર્ષથી તેઓ ફરીથી દરિયાના સાંનિધ્યમાં આવી શક્યાં હતાં અને પહેલી વાર અરૂપ સાથે દરિયે કેટલી હોંશથી, છલકતા ઉત્સાહથી ઇતિ ગઈ હતી. ભીની રેતમાં આટલાં વર્ષે પણ ઘર બનાવવાની ઇચ્છા જાગી હતી, પણ અરૂપને એવી બાલશિતા ન જ ગમે તેટલું તો તે જાણી જ શકી હતી, પરંતુ એ વાત અરૂપને કહ્યા સિવાય તે રહી શકી નહિ. તે અને અનિકેત રેતીમાં કેવી રીતે ઘર બનાવતાં.
પછી તે ઘર મોજાંમાં કેવાં તણાઈ જતાં, તે બધી વાત કરતા ઇતિના હૈયામાં અને આંખોમાં એક અનેરી ચમક ઊભરી આવી હતી. વીતેલા દિવસોની મીઠી યાદ અને ડૂબતા સૂરજની લાલિમા તેના ચહેરા પર છવાઈ હતી.
અરૂપે મૌન બની તે વાતો સાંભળી હતી. કોઈ પ્રતિભાવ આપ્યા સિવાય. ‘આપણે દર રવિવારે દરિયે આવીશું.’ ઇતિ ઉત્સાહથી બોલી ઊઠી હતી. અરૂપ મૌન જ રહ્યો હતો. જોકે દર રવિવારે દરિયે આવવાનું બનતું નહિ, કેમ કે રવિવાર સિવાય અરૂપને સમય ન હોય અને રવિવારે અરૂપનો કોઈ ને કોઈ કાર્યક્રમ ગોઠવાઈ જ ગયો હોય.
ક્યારેક પિકચર, ક્યારેક ક્લબ, કોઈ પાર્ટી કે પછી કોઈ મિત્રને ઘેર, ક્યારેક લોંગ ડ્રાઇવ પર જવાનું અરૂપને મન થતું. ઇતિ દરિયાનું કહે તો તરત ‘અરે એ ને એ પાણી, એમાં શું રોજ નવું હોય? કેટલી રેતી ઊડતી હોય છે. બસ, બેન્ચ કે રેતી પર ખાલી બેસી રહો.’
જોકે પછી ઇતિનો વિલાઈ ગયેલો ચહેરો જોઈ તુરત કહેતો, ‘ઓકે... આવતા રવિવારે દરિયે બસ... ખુશ?’ અને ઇતિને ખુશ થતાં ક્યાં વાર લાગતી હતી? તેની સરળતા તેને વધારે અપસેટ થવા નહોતી દેતી અને અરૂપને ગમે તે કરવા તે તત્પર બની જતી. જોકે પછી પેલો રવિવાર જલદીથી આવતો નહિ એ અલગ વાત હતી.
ક્રમશ:

0 comments: