વિનય મૂડમાં હોય ત્યારે મહદઅંશે વારંવાર ‘વી આર મેઈડ ફોર ઈચ અધર’ વાળું ગીત જ ગણગણતો રહેતો. ક્યારેક ‘વી આર મેઈડ ફોર ઇચ અધર’વાળું ગીત વિનય વિદ્યા પાસે પણ ગવડાવતો
સાંજે જમીને સોફામાં બેઠાં બેઠાં રિમોટ દ્વારા વિદ્યાએ ટીવી ઓન કર્યું. પછી-સમાચાર દર્શાવતી ચેનલ સર્ચ કરવા લાગી. એકાએક નેશનલ ચેનલ ઉપર આવતો ‘ચિત્રહાર’ કાર્યક્રમ શરૂ થયો, અને પહેલું જ ગીત ‘એક દુજે કે લિયે’ ફિલ્મનું ટાઈટલ સોંગ આવતાં જ એની દૃષ્ટિ ટેલિવિઝનના સ્ક્રીન ઉપર સ્થિર થઈ ગઈ.
વિનયને ‘એક દુજે કે લિયે’ ફિલ્મનું ‘વી આર મેઈડ ફોર ઈચ અધર’ ગીત ખૂબ જ ગમતું હતું. લગ્ન પછી પહેલી વાર વિદ્યાને લઈને વિનય ‘એક દુજે કે લિયે’ પિકચર જોવા લઈ ગયો હતો અને જ્યારે પડદા ઉપર ટાઈટલ સોંગ આવ્યું ત્યારે વિદ્યાની હથેળી વિનયે જોરથી દબાવી હતી.
ઘરે પણ જ્યારે વિનય મૂડમાં હોય ત્યારે મહદઅંશે વારંવાર ‘વી આર મેઈડ ફોર ઈચ અધર’ વાળું ગીત જ ગણગણતો રહેતો. ક્યારેક ‘વી આર મેઈડ ફોર ઇચ અધર’વાળું ગીત વિનય વિદ્યા પાસે પણ ગવડાવતો. વિદ્યાનો સ્વર એટલો બધો સૂરીલો નહોતો તેમ સાંભળવો નહીં ગમે એવો કર્કશ પણ નહોતો. ગીત પાછળ છુપાયેલી ભાવુકતાથી વિદ્યા વાકેફ હોવાથી વિનયના સૂરમાં સૂર મેળવી એ પણ ગીત ગાવામાં સહભાગી થતી. બન્ને ખુશીથી ઝૂમી ઊઠતાં. વિવેક અને વિશાખાના જન્મ પછી પણ ઘણી વાર બંનેએ નાનાં ટાબરિયાંને ગોદમાં લઈ, વહાલ કરતાં કરતાં આ ગીત ગાયું જેના મધુર પડઘા રેલવે કોલોનીના આસપાસનાં ક્વાટર્સ સુધી પડતા અને પાડોશી પરિવારના ચહેરા પણ ગીત સાંભળી ખીલી ઊઠતા હતા.
વિનય સાથેનાં લગ્ન બાદ માત્ર પાંચ જ વર્ષમાં પહેલા વિવેક પછી વિશાખાનો જન્મ થયો હતો. નાનકડા કુટુંબને પંખીના એક માળા તરીકે તેઓ ઓળખાવતા હતા, સમજતા હતા. પંખીનો માળો...
માળો... પંખીનો માળો... વિનય અને વિદ્યાનો માળો... નિર્દોષ કલરવ કરતાં બે માસૂમ બચ્ચાં ! મસ્તી, મઝા, પ્યાર- વહાલ- મહોબ્બતથી છલકાતો એમનો ઘરસંસાર ખૂબ સુખી હતો. વિનયની સરકારી નોકરી હતી. રેલવેમાં નિયત સમયે વિનામૂલ્યે ટ્રાવેલિંગની સુવિધાનો લાભ મળતો હતો એટલે રજા ભેગી થતા અને બેન્ક બેલેન્સ સાનુકુળ બનતા ‘પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ’ જ્યાં મન ચાહે ત્યાં સપરિવાર ફરવા માટે તેઓ નીકળી જતાં. લગ્ન પછી વિનય ક્યારેય એકલો ફિલ્મ જોવા પણ જતો નહોતો. ફિલ્મ, નાટક જોવા જવું હોય, ફન ફેરમાં જવું હોય, પાર્કમાં ફરવા જવું હોય તો ‘વિથ ફેમિલી’ જ જતાં હતાં.
વિનય અનાથ હતો. અને એના કુળ-કુટુંબ, ખાનદાન, સ્વજનો, સગાં-વહાલાંઓ વિશે કોઈ જ માહિતી નહોતી. માતા-પિતાની જ જાણ નહોતી એટલે બીજા સંબંધોની તો વાત જ શી કરવી? અનાથાશ્રમ જ એવું ઘર હતું. ગ્રેજ્યુએટ થયા બાદ સદ્નસીબે રેલવેમાં કારકુન તરીકેની નોકરી અને વિદ્યા નામની છોકરી પણ મળી જતાં તુરંત લગ્ન કરી લીધાં હતાં.
લગ્ન બાદ ફટાફટ બે ડિલિવરી પણ આવી ગઈ. બાળકોના જન્મ પહેલાં જ વિનયે કહી રાખ્યું હતું કે, નવજાત શિશુની રાશિ કોઈ પણ હોય એ ‘વિ’ નામના પ્રથમાક્ષરથી જ એમના બાળકનું નામ રાખશે. વિનયને વિદ્યા મળી હતી અને વિદ્યા અને વિનયના મિલન દ્વારા જે બાળકો જન્મ્યાં તેમના પણ ‘વિવેક’ અને ‘વિશાખા’ પતિ-પત્નીના નામના પહેલા અક્ષરથી જ રાખવામાં આવ્યાં. વિનય પહેલાં એકલો, એકાકી હતો. લગ્ન પછી એનો સંસાર સુખી બન્યો હતો. ત્યારે...
એક સાંજે વિવેકને તાવ આવતા કોલોનીના ડોક્ટર કાઝી સાહેબને ત્યાં એ વિવેકને કેડમાં ઊંચકી દવા લેવા ગઈ ત્યારે પણ તાવમાં વિવેકનું આખું શરીર ધખી રહ્યું હતું અને આંખો પણ એ ખોલતો નહોતો. પણ ડો. હાજર હતા નહીં. વિદ્યા ઝડપથી ઘરે આવી ને શહેરમાં બીજા કોઈ ડોક્ટર પાસે વિવેકને લઈ જવા માટે એણે વિનયને ફોન કર્યો એટલે વિનયે કહ્યું કે ‘એ તુરંત જ ઘરે આવે છે’ અને તુરંત વિનય ઝડપથી ઘરે આવી પણ પહોંચ્યો. પછી સ્ટેશન વિસ્તારમાં જ આવેલા એક ક્લિનિકમાં વિવેકને લઈ ગયા. વાઈરલ ઇન્ફેક્શન હોવાનું ડોક્ટરે કહ્યું અને દવા-ઇન્જેક્શન આપી ચિંતા ના કરવાનું કહ્યું ને ‘કાલે સવાર સુધીમાં તો સારું થઈ જશે’ એવો સધિયારો પણ આપ્યો એટલે વિદ્યાના જીવને થોડી ટાઢક વળી પછી-વિનયની નાઈટ શિફ્ટ હતી. એટલે પાછો રેલવે સ્ટેશને જવા એ નીકળી ગયો. બસ... એ રાત્રે વિનય ઘરેથી ગયો એ ગયો... બીજે દિવસે વિનયનું ‘ડેડબોડી’ જ ઘરે આવ્યું. રેલવે લાઈન ક્રોસ કરવા જતાં એ ગુડ્ઝ ટ્રેનની અડફેટે ચઢી ગયો હતો. કાયમ તો એ બ્રિજનો ઉપયોગ કરીને જ જતો હતો પરંતુ મોડું થતું હોવાથી રેલવે લાઈન ઓળંગીને જવાનું એણે રાખ્યું હશે એટલે ઉતાવળમાં એ સમજી શક્યો નહીં હોય કે લાઈન ઉપરથી ટ્રેન આવી રહી છે અને... આ બધાં માત્ર અનુમાન હતાં અને હકીકત એટલી જ હતી કે વિનયનું અકસ્માત મોત થયું હતું અને એની સેંથીનું સિંદૂર ભૂંસાઈ ગયું હતું અને ગળાનું મંગળસૂત્ર નિરર્થક બની રહ્યું હતું. જો બે બાળકો નહીં હોત તો કદાચ વિદ્યાએ ખુદની જીવનલીલા સંકેલી લીધી હોત અથવા તો પુનઃ આશ્રમમાં જતી રહી હોત અને સાધ્વી જેવી જિંદગી જીવવા લાગી હોત. કિન્તુ...
વિવેકની વય માંડ અઢી વર્ષની હતી અને વિશાખાને પણ બે વર્ષ જેવું જ થયું હતું. અને વિનય વિના બંને નાનાં બાળકોને મોટાં કરવાની કપરી જવાબદારી વિદ્યાના માથે આવી ગઈ હતી. મજદૂર યુનિયનના પ્રયાસોથી વિનયના મૃત્યુ બાદ વિદ્યાને રેલવે ડિપાર્ટમેન્ટ તરફથી જોબ ઉપર લઈ લેવામાં આવી હતી. વૈધવ્યના કારણે તેમજ પોતાના આકર્ષક ચહેરાના પરિણામે વાસનાલોલુપ પુરુષોએ ઘણી વાર પાસાં ફેંકી જોયાં હતાં, દાણા નાંખી જોયા હતા છતાં...કુનેહ વાપરી એણે પોતાની જાતને બચાવી હતી છતાં... કેટલાક છાંટા તો એનાં સફેદ વસ્ત્રો ઉપર પણ ઊડયા હતા. અસફળ રહેલા કામાંધ પુરુષોએ પોતાની દાળ નહીં ગળતા ખોટી રીતે બદનામ કરવાની કુચેષ્ટા તો કરી જ હતી... જો વિવેક અને વિશાખાની જવાબદારી એની ના હોત તો રેલવેની નોકરીને પણ એણે ક્યારની લાત મારી દીધી હોત...મજબૂરીના, પરવશતાના એ દિવસો પણ પસાર થઇ ગયા... અલબત્ત, પાણીની જેમ વહી જતા સમયમાં અને થીજી ગયેલા સમયને પીગળી ગયા બાદ વહેવામાં જેવી વાર લાગે એમ મુશ્કેલીથી એની જિંદગી પસાર થઈ ગઈ હતી.
વિવેક ગ્રેજ્યુએટ થયા બાદ ઈન્ડિયામાં રહેવા માંગતો નહોતો. એણે અમેરિકા જવું હતું અને ત્યાં જ સેટલ થવું હતું. એટલે એના દોસ્તોની સાથે એણે અમેરિકાનું ગોઠવી દીધું. એકનો એક દીકરો આંખોથી દૂર જતો રહે એ વિદ્યાને ગમ્યું નહોતું. પોતાની રીતે સમજાવવા કોશિશ કરી હતી, પરંતુ જનરેશન ગેપના કારણે વિવેક એને સમજી શક્યો નહોતો.
વિવેકના અમેરિકા ગયા બાદ વિદ્યાને એક આશ્વાસન વિશાખાનું હતું. દીકરો ભલે દૂર જતો રહ્યો... દીકરી તો સાથે છે જ ને! પરંતુ એ આશ્વાસન પણ ભ્રામક નીકળ્યું. વિશાખાને ઈન્ટરનેટ ઉપર પહેલાં એક બંગાળી છોકરા સાથે ફ્રેન્ડશિપ થઈ પછી ‘ભાલો બાસી’ થઇ ગયું અને બન્નેએ રાજીખુશીથી મેરેજ પણ કરી લીધાં. લગ્ન બાદ વિશાખા કોલકાતા જતી રહી.
કોલકાતા રહેતા છોકરા સાથે લગ્ન નહીં કરવા માટેનું વિદ્યાનું સૂચન, વિદ્યાની નામરજી અવગતે ગયાં હતાં અને છેવટે વિશાખાનું લગ્ન રંગેચંગે સંપન્ન થઈ ગયું હતું. વિશાખાના લગ્ન પ્રસંગે વિવેક પણ અમેરિકાથી આવ્યો હતો. એની પાસે અમેરિકાની સિટિઝનશિપ હતી અને એક મોટલ ઉપરાંત બે ગ્રોસરી સ્ટોરનો એ માલિક થઈ ગયો હતો. એ વિદ્યાને પોતાની સાથે અમેરિકા લઈ જવા માંગતો હતો, પરંતુ ‘રિટાયર્ડ થયા પછી વિચારીશ’ એવું ખોટું આશ્વાસન એણે વિવેકને આપ્યું હતું. મનથી એ સહેજ અમેરિકા જવા માંગતી નહોતી. અમદાવાદ છોડીને કોલકાતા પણ જવાનો એનો ઈરાદો નહોતો. અમદાવાદમાં આમ તો એનું કોઈ જ હવે અંગત નહોતું. માત્ર વિનય સાથેના વિગત લગ્નસંબંધની ઉષ્માનો જીવંત અહેસાસ હતો. અને એ અહેસાસ... માનસિક હૂંફના કારણે જ એ બીજે ક્યાંય જવા માંગતી નહોતી. ‘વી આર મેઈડ ફોર ઈચ અધર’વાળો સુખી સંસાર ભૂતકાળની માત્ર એક યાદ બની ગયો હતો.
ખંડિત અવશેષ જેવો એ ઘરસંસાર... ‘એક દુજે કે લિયે’નું જે ગીત કોરસમાં બાળકો સાથે ગાતાં હતાં એ પંખીનો માળો નજર સામે જ પીંખાઈ ગયો હતો. પોતપોતાની લાઈફ બનાવવા, મનવાંછિત સુખની ચણને પામવા દીકરો અને દીકરી પણ માળાની બહાર ઊડી ગયાં હતાં. એમણે મનગમતું આકાશ ઊડવા માટે શોધી લીધું હતું. પાંખો આવતાં જ...
અમેરિકા જતા પહેલાં વિવેકે એક ઘટસ્ફોટ કર્યો હતો. એ ત્યાં કોઈ અફઘાની યુવતી સાથે લીવ ઈન રિલેશનશિપથી રહે છે. લગ્ન વિના... સાંભળી વિદ્યાને આઘાત લાગ્યો હતો. વિશાખાએ પણ મરજી મુજબ લગ્ન કરી આઘાત જ આપ્યો હતો.
હવે એકલા જીવવાનું હતું અને જીવી રહી હતી... છત્તાં સંતાનોએ એ અનાથ જેવી થઈ ગઈ હતી. અનાથ અને એકાકી પણ. વિનય વિનાનું વૈધવ્ય પાછલી ઉંમરે રડાવી જતું હતું... ‘એક દુજે કે લિયે’નું ગીત પૂરું થતાં આંસુ સારતાં એણે ટીવી બંધ કરી દીધું.
*પ્રેમરંગ સમીપે - અરવિન્દ કાયસ્થ

0 comments: