કાળા કાળા પાણા ઉપર ચકલાઓના ચાળા મહેલોથી યે ઉંચા ઉંચા મુરઘીઓના માળા બગાસાનાં ખંડેરોમાં ઉભા કરોળિયાના ઝાળા વાહ રે ઉપરવાળા તારા શુન્યોના સરવાળા
We Are Looking for Contributors for this Blog if you have any Your Personal Post or Other Good post and like to contribute You're most welcome Here Kindly Mail me At patel.Nishad007[at]Gmail.com or Comment here with Your Details.
Note:- Now you can share and copy paste all contents of the website Your Support is Highly Appreciated Thank you.

બુધવાર, 29 જૂન, 2011

દોસ્ત મને માફ કરીશને? પ્રકરણ-૧૯

Posted by Unknown on 7:31:00 PM
અણધાર્યું પ્લાનિંગ... સિમલા

‘જો આ પ્લેનની બે ટિકિટ, સામાન પેક કર, કાલે સવારે પાંચ વાગ્યાની ફ્લાઇટ છે.’ અરૂપે એકી શ્ચાસે અહેવાલ આપતો હોય તેમ કહ્યુંક્યા પ્રવાહમાં ઇતિ તણાતી હતી? અંતરમાં કોઈ ઉજાશ ઊઘડ્યો હતો કે અંધકાર છવાયો હતો તેની સમજણ પણ નહોતી પડતી. તે દિવસે અરૂપની રાહ જોઈ જોઈને થાકેલી ઇતિ કંટાળતી બેઠી હતી. થોડી વાર મેગેઝિનનાં પાનાં ફેરવ્યાં, પણ મજા ન આવી. ઘડિયાળનો કાંટો ખસતો જ નહોતો. ઊભા થઈ ટીવી ચાલુ કર્યું. આમતેમ ચેનલો બદલતી રહી. એક જગ્યાએ રામાયણની સિરિયલ આવતી દેખાઈ. બીજું આડુઅવળું જોવાને બદલે તેણે તે ચેનલ ચાલુ રાખી. સુવર્ણમૃગ પાછળ ગયેલા રામની બૂમ સંભળાતાં સીતાજી લક્ષ્મણને રામની મદદે જવા વિનવતાં હતાં. લક્ષ્મણ જવા તૈયાર નહોતા થતા. અંતે સીતાજીની જિદ્દને લીધે જવા તૈયાર થયા. જતાં પહેલાં સીતાજીને લક્ષ્મણરેખા દોરી આપી હતી અને તેની બહાર નીકળવાની મનાઈ કરીને ગયા હતા.

પોતાની આસપાસ પણ શું આવી કોઈ અર્દશ્ય લક્ષ્મણરેખા દોરાયેલી છે કે શું? અરૂપે દોરેલી લક્ષ્મણરેખા, જેના દાયરામાં તે બંધ હતી. એક કેન્દ્રની આસપાસ પરિઘની મર્યાદિત ત્રજિયામાં તે ઘૂમતી રહી હતી કે શું? અને ક્યાંકથી અનિકેતની ચીસો તેને સંભળાતી હતી? તે ઇતિને પોકારી રહ્યો હતો કે શું? આજે આ વ્યાકુળતા શા માટે?

નાનપણમાં તેના ઘરની સામે એક ભરવાડનું કુટુંબ રહેતું હતું. તેના ઘરમાં તેણે ઘણી બકરીઓ પાળી હતી. આ બકરીઓના પગમાં એક દોરી બાંધી હોય અને દોરીનો બીજો છેડો દૂર કોઈ મોટા પથ્થર સાથે બાંધેલો હોય. કોઈની દોરી થોડી નાની હોય, કોઈની થોડી મોટી. બકરી તે સીમિત દાયરામાં ફરતી રહેતી અને સ્વતંત્રતાનો અહેસાસ કદાચ કરતી રહેતી. પોતે પણ શું આવી જ કોઈ... અને દોરી અરૂપના હાથમાં...
શૈશવમાં જોયેલો પેલો કઠપૂતળીનો ખેલ આજે કેમ યાદ આવે છે. ત્યાં તો રાજાને હુકમ કરતી મહારાણી તેણે જોઈ હતી. આજે એ મહારાણી શું કોઈ એકદંડિયા મહેલમાં..?

ઇતિ ચોંકી ઊઠી. આજે પોતાને આવા ગાંડાઘેલા વિચારો કેમ આવે છે?
ચારે તરફથી અનિકેતનો સાદ કેમ સંભળાય છે? અનિ તેને બોલાવી રહ્યો હોય, તેને પોકારી રહ્યો હોય તેવું કેમ લાગે છે? ક્યાં છે અનિકેત? કઈ દિશામાંથી આ સાદ આવે છે? આ કયો પોકાર તેને હચમચાવી રહ્યો છે? પ્રાણમાં આટલી વ્યાકુળતા કેમ જાગી ઊઠી છે?
‘અનિ, અનિ.’ કોઈ પોકાર અને?
અને ત્યાં તો બારણે બેલનો ધડાધડ અવાજ.

‘અનિ, એક મિનિટ તો શાંતિ રાખ, ખોલું છું.’ ઉપરાઉપરી બેલનો અવાજ સંભળાતા ઇતિ અભાનપણે ઊભી થઈ અને નિદ્રામાં ચાલતા માણસની જેમ દરવાજા સુધી પહોંચીને દરવાજો ખોલ્યો. અનિકેતની આ આદત ક્યારેય નહિ જાય. ધડાધડ બેલ માર્યા જ કરે, એક મિનિટ તેનાથી રાહ ન જોવાય. કેટલી વાર પોતે આ માટે તેની પર ગુસ્સે થઈ છે, પણ તેને અસર
થાય તોને?

દરવાજો ખોલતા ઇતિ જોઈ રહી. આ અનિકેત બદલાઈ ગયેલો કેમ લાગે છે?
‘એય ઇતિરાણી, ક્યાં છો? આમ બાઘાની માફક જોઈ શું રહી છે? હવે મને અંદર આવવા દેવાનો છે કે નહિ?’
શબ્દો તો કાને અથડાયા, પણ હજુ તેનો અર્થ
ક્યાં સમજાતો હતો? આ બધું શું છે? હમણાં તો તે...

તો શું તે અતીતની ગલીઓમાં ઘૂમતી હતી? આ થોડા કલાકમાં તેણે આટલાં વરસો ફરી એકવાર જીવી લીધાં હતાં.
અત્યાર સુધી અનિકેત પોતાની અંદર આટલી હદે? અને પોતાને જાણ સુધ્ધાં નહોતી? અનિકેત, એક વીસરાઈ ગયેલું નામ, એક વીતી ગયેલી વાત માની આટલાં વરસો પોતાની જાતને છેતરી રહી હતી? કે પછી પોતે જ અંધકારમાં અટવાયેલી હતી?
‘ઇતિરાણી, ક્યાં... કઈ દુનિયામાં ખોવાઈ ગયાં છો?’ અરૂપે તેને ખભો પકડી હચમચાવી નાખી.

‘શું છે ઇતિ?’
એટલે? આ અરૂપ હતો, અનિકેત નહિ? અરૂપના અવાજે ઇતિ વર્તમાનની ક્ષણોમાં ઝબકી ઊઠી. તે હજુ આગળ કંઈ બોલે તે પહેલા જ, ‘ઇતિ, ચાલ જલ્દી તૈયારી કર, ઘણું કામ છે?’
મૌન ઇતિએ પ્રશ્નાર્થભરી નજરે અરૂપ સામે જોયું.

‘અરે, બાબા, આપણે કાલે સવારે સિમલા જઈએ છીએ. જો આ પ્લેનની બે ટિકિટ, બધું બુકિંગ પણ કરી નાખ્યું છે. ઓકે? ખુશ? આમ પણ ઘણા સમયથી આપણે ક્યાંય જઈ શક્યાં નથીને. ચાલ, જલ્દી સામાન પેક કરો અને હા બહુ ભૂખ લાગી છે. જલ્દી કંઈક સરસ ખાવાનું ફટાફટ અને પછી તૈયારી. કાલે સવારે પાંચ વાગ્યાની ફ્લાઇટ છે.’ અરૂપે એકી શ્ચાસે જાણે અહેવાલ આપ્યો.

ક્રમશ:

Kindly Bookmark and Share it:

0 comments:

|| જય શ્રી કૃષ્ણ ||. મિત્રો અમે તમારા પ્રતિભાવો જાણવા માટે આતુર છીએ તમારા પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્ષ મા લાખો.

Gujarati all type of content

Related Posts Plugin for WordPress, Blogger...
 
© 2010 G4Gujarati Template by My Blogger Tricks