કાળા કાળા પાણા ઉપર ચકલાઓના ચાળા મહેલોથી યે ઉંચા ઉંચા મુરઘીઓના માળા બગાસાનાં ખંડેરોમાં ઉભા કરોળિયાના ઝાળા વાહ રે ઉપરવાળા તારા શુન્યોના સરવાળા
We Are Looking for Contributors for this Blog if you have any Your Personal Post or Other Good post and like to contribute You're most welcome Here Kindly Mail me At patel.Nishad007[at]Gmail.com or Comment here with Your Details.
Note:- Now you can share and copy paste all contents of the website Your Support is Highly Appreciated Thank you.

શનિવાર, 14 મે, 2011

આ ગુજરાત છે.......!!!

Posted by Unknown on 7:10:00 PM
આ ગુજરાત છે.......!!!

"ગોંડલના ફાફડા-ભજીયાના ટેસડા મારી જીભમાંથી ઝરે છે અને સુરતની રતાળુની પુરી ખાવાથી પડતો શોષ પણ મારા ગળે પાંગરે છે. હળવદના ચૂરમામાં રેડાતી ઘીની લચપચતી ધાર છું હું, વડોદરાની ભાખરવડી ખાધા પછીનો સીસકાર છું હું. ભાવનગરી ગાંઠિયામાં મરીનો દાણો હું છું, અને રાજકોટના સંચાના આઈસ્ક્રીમ પર મુકાયેલો ચેરીનો બોલ પણ હું જ છું. મેં જેટલા રસથી એકલવીર જોધા માણેક, દાના દુશ્મન જોગીદાસ ખુમાણની બહારવટાની શૌર્યકથાઓના ધૂંટડા ભર્યા છે, એટલા જ રસથી વલસાડની હાફૂસ અને જૂનાગઢની કેસરના અમૃતરસના પણ ધૂંટડા ગટગટાવ્યા છે. મારી થાળીમાં ષટરસ છે, મારા હોઠ પર પાનથી લાલ થયેલ તંબોળરસની લાલિમા છે, અને મારા ગલોફામાં ઝેરી ગૂટકાના ચાંદાની કાલિમા પણ છે.

મારે ત્યાં સ્વયમ નટરાજના અર્ધાંગિની પાર્વતીએ પૌરૂષના રૌદ્રરસ સામે પ્રકૃતિના લાસ્યરસ સમું શીખેલું નૃત્ય, અનિરૂઘ્ધના પ્રેમમાં પડી કૃષ્ણના ઘેર સાસરે આવનાર કૈલાસશિષ્યા ઉષાએ રાસના સ્વરૂપમાં રોપ્યું છે. મોઢેરાના સૂર્યમંદિરના મૈથુનશિલ્પોમાં ઉપસતા ઉન્નત ઉરોજની પુષ્ટ ગોળાઈ પર લપસતી નજર છું હું! અને રાણકી વાવની શિલ્પાંગના તણા નિતંબે સરકતો કંદોરો છું હું! મારા હોંઠો પર વલસાડ પાસે જન્મેલા કામસૂત્રના ઋષિ વાત્સ્યાયને વર્ણવેલા ચુંબનની ભીનાશ હજુય તરવરે છે.

હું બ્રહ્મચારી યોગાચાર્યોની સનકમાં પણ છું, અને વિશ્વના સૌથી લાંબા નૃત્યોત્સવ નવરાત્રિમાં હિલ્લોળ લેતી નવયૌવનાઓના સુંવાળી ત્વચા પર ઠુમકતી ઝાંઝરની ખનકમાં પણ છું! હું ભેંકાર રડીને લોહીના આંસુએ અગનવર્ષા કરતા માંગડાવાળાની અઘુરી પ્રીત છું. હું શેણી માટે એક હજાર નવચંદરી ભેંસો એકઠી કરવા ગયેલા વીજાણંદના રાવણહથ્થા પર પીગળતું ગીત છું. ઓઢા અને હોથલનું આલિંગન છું હું, અને ખેમરો લોડણનું આકર્ષણ છું હું! મેં તાંબાવરણી છાતી કાઢીને બરડા જેવા ડુંગર ધમરોળતા મેર-આહીર જુવાનોની રૂંવાડે રૂંવાડે છલકતી મર્દાનગી જોઈ છે અને મારા ડેનિમ થકી જ ભારતભરની યુવતીઓની લચકતી ચાલ પર વીંટળાતી બ્લ્યુ જીન્સની સિડક્ટિવ કાંચળી જોઈ છે. ભૂ્રણ હત્યાથી માત્ર દીકરી હોવાને લીધે ઘોંટાઈ જતા જીવનની ધૂટનનો મૌન ચિત્કાર પણ હું છું.

ડાર્લંગ, હું ગુજરાત છું!


સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની મશાલમાંથી અંગારા લઈને અમેરિકા અજવાળનાર અને બિગ બેન ટાવરના ડંકા તળે ડંકો વગાડનાર એન.આર.જી. છું હું. વાયબ્રન્ટ મકરસંક્રાંતિના પતંગ ચગાવવા કરતા કાપવાનો વઘુ શોક રાખનાર કાચપાયેલો માંજો છું હું. હું હજાર નંગ પુસ્તક નથી જીરવી શકતું પણ રોજ અડધો કરોડ અખબારી નકલો પચાવી જાવ છું! કણબીનું હળ છું, કસબીની હથોડી છું. હું હોળીની પીળી ઝાળ છું અને દીવાળીની સતરંગી રંગોળી છું. હું નર્મદના ડાંડિયે પીટાયેલા મારા આકારનો પોકાર છું. હું કાકાસાહેબ કાલેલકર અને ફાધર વાલેસનું સાસરિયું છું. હું મુનશીની અસ્મિતા છું અને મેઘાણીની રસધાર છું...........

હું જુમા ભિસ્તીના દેહ પર વળેલો પરસેવો છું. દીકરીના કાગળની વાટ જોતા કોચમેન અલી ડોસાની આંખે નેજવું કરતી કરચલિયાળી હથેળી છું. પંગુ મંગુની અમરતકાકી માટે ઉઠતી ચીસ મેં સાંભળી છે. સંતુ રંગીલીની તળપદી ગાળો ય મારા કાને ઉઠી છે. કાળુ અને રાજુની આંગળી ઝાલીને મેં છપ્પનિયો ભોગવ્યો છે. સરસ્વતીચંદ્રની કુમુદસુંદરીનો ઘરસંસાર ડોકિયાં તાણીને જોયો છે. જાણી જાણીને ઝેર પીધાં પછી યે મેં અમૃતાનું આચમન કર્યું છે. પ્રોફેસર કોનારક શાહ ક્યાંક લીલા અંધકારમાં જટાયુ બની મારા અક્ષરદેહ ફરતે ચકરાવો લે છે. ઉપનિષદના અસ્તિત્વનો ઉત્સવ ક્યાંક રાતદિવસના રસ્તે પ્રેમ કરતા વ્હાલમની જેમ મને જડી જાય છે. મારા ખભે શિયાળાની સવારનો તડકો કૂદાકૂદ કરે છે. હું ધરતીની આરતી ઉતારૂં છું. હું સત્યના પ્રયોગોનો ચરખો છું, અને માણસાઇના દીવાનો તણખો છું. ક્ષિતિજ અને કુમારના પીળા પડી ગયેલા પાનાઓને કોરી ખાતી ઉધઈ પણ હું જ છું........."

Kindly Bookmark and Share it:

0 comments:

|| જય શ્રી કૃષ્ણ ||. મિત્રો અમે તમારા પ્રતિભાવો જાણવા માટે આતુર છીએ તમારા પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્ષ મા લાખો.

Gujarati all type of content

Related Posts Plugin for WordPress, Blogger...
 
© 2010 G4Gujarati Template by My Blogger Tricks