બાળક માટેની ઝંખના
અરૂપને બાળકની ઉતાવળ હતી, પણ પિતા બનવાની તેની હોંશ લગ્નજીવનનાં આટલાં વરસો બાદ પણ પૂરી ન થઈ
દિલના અતલ ઊંડાણમાં અનિકેતની સ્મૃતિ ધરબાઈ રહી અને ધીમે ધીમે ઇતિની જિંદગીમાં અનિકેત નામે કોઈ પાત્ર હતું એ પણ ભુલાતું ગયું કે પછી...
કાળદેવતા ઇતિ સામે ક્યારેક હસી લેતા એટલું જ. તેને એકને જ કદાચ ખ્યાલ હતો કે ઇતિ જાતને છેતરી રહી છે. અનિકેત તો આ બેઠો તેના દિલના તિળયે... પણ કોઈ વાત ફોડ પાડીને કહેવા કાળદેવતા થોડા રોકાય છે? સમય સમયનું કામ કરશે અને એક દિવસ. અને સમય સરતો રહ્યો... સરતો રહ્યો... અરૂપના સ્નેહમાં કોઈ કમી ક્યાં હતી? ઇતિ જીવનમાં ગોઠવાતી ગઈ. કોઈ અફસોસ વિના, હજારો લાખો સ્ત્રીની માફક, તદ્દન સહજતાથી, સરળતાથી... કેટલાંક સત્યો વરસો પછી પણ એની એ જ કુમાશ, મુગ્ધતા અને ઋજુતા સાથે જીવતાં હોય છે એ સત્યથી ઇતિ કદાચ અજાણ હતી.
લગ્ન પછી અરૂપને બાળકની ખૂબ ઉતાવળ હતી, પણ પિતા બનવાની તેની હોંશ લગ્નજીવનનાં આટલાં વરસો બાદ પણ પૂરી ન થઈ. ઇતિ પણ શિશુને આવકારવા ઉત્સુક હતી, પણ આમ તો બંનેના બધા રિપોર્ટ નોર્મલ આવતા હતા અને તેથી નસીબ સિવાય કોને દોષ આપી શકાય? અને ત્યારે ઇતિએ એક વાર કોઈ શિશુને દત્તક લેવાની વાત અરૂપ પાસે મૂકી જોઈ, પરંતુ અરૂપને એ વાત ગળે ઊતરે નહિ. બાળક હોય તો આપણું પોતાનું જ, નહિતર બાળક વિના પણ ચાલશે. તેને માટે તો ઇતિ સર્વસ્વ હતી અને રહેશે અને સરળ ઇતિને સમજાવવી, મનાવવી કંઈ બહુ અઘરી વાત નહોતી જ.
અરૂપ માટે ઇતિ એટલું તો કરી જ શકેને?
ઇતિ ‘તું કહીશ એમ જ હું કરીશ.’
‘હંમેશાં?’
‘હા, હા, હંમેશાં...’
‘પ્રોમિસ?’
નાનકડાં ઇતિ, અનિકેતનો અવાજ આ ક્યાંથી, કોણ આવીને કાનમાં કહી ગયું? કાળની ઘેરી ગુફામાં એ પ્રોમિસ અને પ્રોમિસ આપવાવાળો હાથ ક્યાં અર્દશ્ય થઈ ગયાં હતાં?
ઇતિ કહે તેમ તો અનિકેતે કરવાનું હતું. અહીં અનિકેત ક્યાં?
ઇતિએ તો અરૂપ કહે તેમ
જ કરવાનુંને?
ઇતિ, અરૂપ, અનિકેત?
જીવનના તાણાવાણા કોણ ઉકેલી શક્યું છે? બાળક માટેની ઇતિની ઝંખના અપૂર્ણ જ રહી. અરૂપે દત્તક લેવાની ના પાડ્યા પછી ઇતિ એકલી પડતી ત્યારે કદીક ઉદાસીનતા જરૂર અનુભવતી. નાનકડાં શિશુની કિલકારીથી આ બંગલો વંચિત જ રહ્યો. બાળક માટેની ઇતિની હોંશ અધૂરી જ રહી. જોકે અરૂપને એ ઉદાસીની જાણ સુધ્ધાં ક્યારેય થવા ન પામતી. તે તો એવા ભ્રમમાં જ રહ્યો કે ઇતિ પણ હવે પોતાની માફક બાળકની વાત ભૂલી ગઈ છે. સૂર્ય વાદળ પાછળ સંતાઈ ગયો હતો. જાણે દુનિયાના લોકોથી નારાજ થયો હોય અને પોતાનાં કિરણો તેને આપવા ન માગતો હોય તેમ જિદ કરી ને વાદળની બહાર ન આવવા મથી રહ્યો હતો. નામ તો વાદળનું આવતું હતું કે તેણે સૂર્યને ઢાંકી દીધો હતો, પણ સાચી વાતની કોને જાણ હતી કે સૂર્ય ખુદ વાદળ પાછળ છુપાઈ ગયો છે. આજે જાણે તેને વિશ્ચને અજવાળવાની કોઈ તમન્ના નહોતી. આજે વિરામ, તો જ વિશ્ચને તેનું મહત્વ સમજાય, એવું વિચારતો હશે કે શું?
સૂર્ય તો વિચારે કે નહિ, પણ ઇતિ તો આવું જ કંઈક વિચારતી હતી. ઇતિની અંદર પણ કોઈ સ્મૃતિએ વિરામ લીધો હતો. બહાર ન આવવાની જિદ્દ પકડી હતી કે શું? જે દરિયો મનની અંદર ઉછળતો રહ્યો હોય, એની જાણ હોય કે નહિ, પરંતુ એ ક્યારેય દૂર જઈ શકે ખરો? ભલેને સવાર થઈ ગઈ હોય, પરંતુ પાંપણને ખોલીને જોવું નથી એવી જાણે ઇતિના મનમાં એક જિદ્દ પ્રગટી હતી કે શું? પણ ઇતિ તો ક્યારેય જિદ્દી નહોતી અને છતાં આજે આમ કેમ? પોતાની અંદર એક એક ક્ષણની છબિ આજે દસ વરસ પછી પણ આટલી હદે જીવંત હતી? અને પોતે બેખબર હતી?
‘અનિકેત આવ્યો છે.’ આજે મમ્મીના આ એક વાક્યે તેની સમગ્ર ચેતના જાગી ઊઠી હતી? એક ચિનગારી પરની રાખ ઊડી રહી હતી કે શું? આ દસ વરસમાં તેના હોઠ પર ક્યારેય અનિકેતનું નામ સુધ્ધાં નથી આવ્યું. તે સંપૂર્ણ અરૂપમય બની રહી હતી. અરૂપ પણ તેનાથી ખુશ હતો. જીવન શાંત વહેતાં પાણીની જેમ કોઈ અવાજ વિના વહેતું હતું, કોઈ વમળ નહિ, કોઈ આંદોલન નહિ. ઇતિ કદાચ પૂર્ણ સમર્પણની ગાથા હતી, અરૂપનો શબ્દ ઇતિની ઇચ્છા બની રહેતો. ઇતિના જીવનની એક એક પળ અરૂપની હતી. ઇતિના અસ્તિત્વની આસપાસ સુખ- સગવડનો એક અભેદ કિલ્લો અરૂપે ચણી દીધો હતો. ક્રમશ:
0 comments: