1.ભવિષ્યમાં શું થશે તેની ચિંતા કરવાનો કંઈ અર્થ નથી. સારું ભવિષ્ય છે તેમ કહેશો તો લોકો એની આશામાં કોઈ કામ નહીં કરે. ભવિષ્યમાં સારું નથી તેમ કહેશો તો કંઈ પણ કરવાનો અર્થ નથી એમ કહીને બેઠા રહેશે. તેથી આની ચર્ચા કરવાને બદલે વર્તમાનમાં આપણી સહાયથી સારામાં સારી રીતે કરીએ પછી પરિણામ જે આવવાનું હોય તે આવે. આપણી નજર વર્તમાન પર જ સ્થિર રાખીએ. – અજ્ઞાત
[2]
હેતને ન હોય કોઈ હેતુ
સંબંધના બાંધવાના હોય સદા સેતુ
મનની મહોલાત બધી છલકાવી દઈએ
થાય પછી લાગણીની લહાણ
મબલખ આ માનવીના મેળામાં
કોઈ રહે, કોઈથી ન છેટું – સુન્દરમ
[3] છોકરામાં માબાપની આકૃતિનો વારસો જેમ ઊતરે છે તેમ તેમના ગુણદોષનો વારસો પણ ઊતરે જ છે. તેમાં આસપાસના વાતાવરણને કારણે અનેક પ્રકારની વધઘટ થાય છે ખરી, પણ મૂળ મૂડી તો બાપદાદા ઈત્યાદિ તરફથી મળેલી હોય છે તે જ ખરી. એવા દોષોના વારસામાંથી કેટલાંક બાળકો પોતાને બચાવી લે છે એમ મેં જોયું છે. એ આત્માનો મૂળ સ્વભાવ છે, તેની બલિહારી છે. – ગાંધીજી
[4]
હું હંમેશાં ધાર્મિક માનવ રહ્યો છું.
મારે ઈશ્વરની ભાગીદારીમાં કામ કરવાનું છે.
મારી શક્તિ કેટલી છે ?
50 ટકા શક્તિ હોય તો ઈશ્વર મારી નિષ્ઠા જોઈ બીજી 50 ટકા શક્તિ ઉમેરે છે
તેવી મને પાક્કી શ્રદ્ધા છે.’ – ડૉ. અબ્દુલ કલામ
[5] ધર્મનાં પુસ્તકો અને સંતોનાં લખાણો વાંચવા માટે દષ્ટિ જોઈએ. એ કોઈ અભ્યાસ નથી, સંશોધન નથી, મનોરંજન નથી. એ જ્ઞાન છે, ધર્મ છે, સાધના છે, શુદ્ધ નિર્મળ પવિત્રજળ છે. એ તરસ માટે છે, સ્વાદ માટે નહીં. – ફાધર વાલેસ
[6]
ખુરશીને આજે
તાતી જરૂર છે
સાચા નેતાની !
પણ અફસોસ !
સાચા નેતાને
જરૂર નથી હોતી
ખુરશીની ! – મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’
[7] ફ્રેન્ચ લેખક શોપનહાવરે પોતાનાં પુસ્તકોની કડક ટીકાથી એક દિવસ કહ્યું : ‘મારા પુસ્તકો તો દર્પણ જેવાં છે, પણ કોઈ ગર્દભ એમાં ડોકિયું કરે તો એને દેવદૂતનાં દર્શન ક્યાંથી થવાના છે !’ – અજ્ઞાત
[8] મોટામાં મોટો દોષ પોતાનામાં એક પણ દોષ નહીં હોવાની માન્યતાનો છે. – થૉમસ કાર્લાઈલ
[9] જે દૈનિક પત્ર સત્યનો પ્રસાર કરવાના પુરુષાર્થ ઉપર નિર્ભર નથી, તે પ્રત્યેક સવારે પ્રજાનું જીવન હરવા માટે મોકલેલો વિષનો પ્યાલો છે. – ઓલિવ શ્રાઈનર
[10] માનવી પાસેથી ઘણું બધું છિનવી શકાય છે પણ પોતાની આસપાસના સંજોગો તરફનો પોતાનો અભિગમ/વલણ પસંદ કરવાની માનવીની અંતિમ સ્વાધીનતા કદી પણ છિનવી શકાતી નથી. – વિક્ટર ફ્રેંકલ
[11] સત્યને સત્ય તરીકે, અસત્યને અસત્ય તરીકે, અસત્યમાં રહેલા સત્યને, સત્યમાં રહેલા અસત્યને જોવું એટલે જ મુક્ત મન. – જે. કૃષ્ણમૂર્તિ.
[12] દરેક મનુષ્યે અને દરેક પ્રજાએ મહત્તા પ્રાપ્ત કરવી હોય તો, ભલાઈમાં દઢ વિશ્વાસ રાખવો, અદેખાઈ અને અવિશ્વાસમાંથી મુક્તિ મેળવવી અને સારા થવાનો તેમ જ સારું કરવાનો પ્રયત્ન કરનાર દરેકને સાથ આપવાનો પ્રયાસ કરવો. વિકાસની આ કેડી છે. – સ્વામી વિવેકાનંદ
[13] ઘરની બહાર ખાતરનો ઢગલો કરી રાખો તો તમારા ફરતે દુર્ગંધ પ્રસરી રહેશે, પણ એ જ ખાતરને નાખીને બાગ બનાવશો તો સુગંધ પ્રસરશે. નષ્ટ કરવા જેવું જીવનમાં કશું જ નથી, પણ પરિવર્તન કરવા જેવું, ઉદાત્ત કરવા જેવું, ઉન્નતિ કરવા જેવું જીવનમાં પુષ્કળ છે. – આચાર્ય રજનીશ
[14] જીવનમાં દુ:ખ આવે જ નહિ એ વાત અશક્ય છે. કદીક તો દુ:ખ આવવાનું જ. પરંતુ દુ:ખ જો સમજીને સહન કર્યું હશે તો એ કદીયે વ્યર્થ નથી જવાનું. પોતાની ઉપર પડતા તાપને પોતાની ભીતરમાં ખેંચીને વૃક્ષ મજબૂત અને સમૃદ્ધ બને છે. – રવીન્દ્રનાથ ટાગોર
[15] એક માર્ગ પકડીને ચાલવાનો પ્રારંભ કરો. તમને માર્ગમાં ઘણા વધારે યાત્રીઓ મળશે. લક્ષ્ય નક્કી કરીને તે માર્ગે ચાલવા લાગશો તો રસ્તામાં અન્ય યાત્રીઓ મળતાં આગળનો માર્ગ બતાવી દેશે. તમે ચાલવાનું શરૂ કરો ! બેસી ન રહો ! – જ્યોતિબેન થાનકી
ગુરુવાર, 16 સપ્ટેમ્બર, 2010
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
0 comments: