ભુત અને ભવીશ્યના બે ખીલા પર,
લટકતી જીંદગીમાં હું મારી ‘આજ’ને શોધું છું.
ભુતકાળના ખીલા પર ટાંગ્યા છે આંસુઓ,
નીરાશાઓ, પરાજય અને પસ્તાવા વચ્ચે
બે ચાર ખુશી- તોરણ.
ભવીશ્ય પર છે રંગીન મેઘધનુશ્યો,
અગણીત મહેચ્છાઓ અને શેખચલ્લી-સપના,
અને વચ્ચે છુપાયેલો અણજાણ્યો ડર.
‘આજ’માં છે મીશ્રણ બન્નેનું
’આજ’માં છે સંઘર્શ.
‘આજ’ને સુક્ષ્મદર્શક કાચથી તપાસતાં તો
તે ‘ગઇકાલ‘ બની જાય છે.
કલ્પનાની સોનેરી ઉશામાં વીહરતાં ‘આજ’
‘આવતીકાલ’ બનીને ઉભી રહે છે.
તેથી જ ક્યારેક ‘આજ’
નીરસ અને નીર્જીવ લાગે છે.
‘આજની ઘડીમાં જીવો’ તેમ કહેવું તો સહેલું છે.
પણ ગઇકાલ, આજ અને આવતીકાલ
મળીને તો જીવનરેખા બને છે.
ગુરુવાર, 16 સપ્ટેમ્બર, 2010
Related Posts: કવિતાઓ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
0 comments: