કાળા કાળા પાણા ઉપર ચકલાઓના ચાળા મહેલોથી યે ઉંચા ઉંચા મુરઘીઓના માળા બગાસાનાં ખંડેરોમાં ઉભા કરોળિયાના ઝાળા વાહ રે ઉપરવાળા તારા શુન્યોના સરવાળા
We Are Looking for Contributors for this Blog if you have any Your Personal Post or Other Good post and like to contribute You're most welcome Here Kindly Mail me At patel.Nishad007[at]Gmail.com or Comment here with Your Details.
Note:- Now you can share and copy paste all contents of the website Your Support is Highly Appreciated Thank you.

બુધવાર, 27 જુલાઈ, 2011

એકાંત, એકલતા...સોલિટ્યુડ અને બીઇંગ લોન્લી...

Posted by Unknown on 2:45:00 PM
દેખી ઝમાને કી યારી... બિછડે સભી બારી બારી... શાયર કૈફી આઝમીએ જ્યારે આ લખ્યું હશે ત્યારે એમને એકલતા સતાવતી હશે કે નહીં, કોને ખબર? હર્ષ બ્રહ્નભટ્ટના કાવ્યસંગ્રહ ‘એકલતાની ભીડમાં’નો શેર છે:
આયનાઓ હાથમાં રહી જાય છે, ભીંતમાંયે બિંબ તો દેખાય છે. હું ખડક થઇને ઊભો છું ક્યારનો, જળ બનીને તેઓ મને અફળાય છે.

એકલા પડી જવાનો ભય મોટા ભાગના લોકોને ડરાવે છે. વૃદ્ધો સંતાનોના ત્રાસને સહન કરે છે કારણ કે એ એકલા જીવી શકે એમ નથી. પતિ પર આધારિત (આર્થિક કે ઇમોશનલ) પત્ની એનાં લફરાં અને દાદાગીરી ચલાવી લે છે કારણ કે એ એકલી જીવી શકે તેમ નથી. પડોશીને સહન કરીએ છીએ કારણ કે જંગલમાં જીવી શકીએ તેમ નથી. મિત્રોને સાચવી લઇએ છીએ કારણ કે જિંદગી મિત્રો વિના જીવી શકાય તેમ નથી. સગાંઓને જીરવીએ છીએ કારણ કે સામાજિક સંબંધો આપણે માટે અનિવાર્ય છે. એકલવાયાપણું, લોન્લીનેસ કે એકલતા મોટા ભાગના માણસો જીરવી શકતા નથી.

આજના સમયમાં ઘોંઘાટ જીવવાની જરૂરિયાત બનતો જાય છે. ઘરમાં ટેલિવિઝન, ગાડીમાં રેડિયો, સેલફોન માણસના જીવનની એવી જરૂરિયાત છે કે એને ખાવાનું ન મળે તો ચાલે, પણ આસપાસના અવાજ વિના એ ઘાંઘો થઇ જાય છે. મૌન માણસમાત્ર માટે અઘરું બનતું જાય છે. શાંત, ચૂપ કે એકલા ન રહી શકવાની ગૂંગળામણને માણસ ‘બોર થવાના’ નામથી ઓળખે છે. સતત પ્રવૃત્તિ એ જ એમાંથી છટકવાનો ઉપાય છે. નવથી નવ કામ કરવાથી, ગાડીમાં સંગીત સાંભળવાથી, ઘેર આવીને ટેલિવિઝન જોવાથી, પાર્ટી કે ઝઘડા કરવાથી એકલવાયાપણું દૂર થઇ શકતું નથી.

એકવાયાપણામાં દસ વર્ષના છોકરાથી લઇને સો વર્ષના વૃદ્ધ સુધી કોઇ પણ એકલું પડી શકે. કોઇને પણ એકલતાની ભૂતાવળ ડરાવી શકે. સતત માણસોની વચ્ચે રહેવાથી એકલતા દૂર ભાગે છે એવું માનવું માણસની સૌથી મોટી ભૂલ હોઇ શકે. માણસમાત્રને એકલતા ડરાવે છે કારણ કે એકલતાની સાથે અસ્વીકાર જોડાયેલો છે. જગતનો દરેક માણસ ‘સ્વીકાર’ ઝંખે છે. ‘મને કોઇ નથી જોઇતું, હું કોઇનો મોજતાજ નથી’ કહેનાર માણસ પણ ભીતરથી સ્વીકાર અને આવકાર ઝંખે છે. પોતાને કોઇની પડી નથી કહેનારા ખરેખર ડિફેન્સ મિકેનિઝમથી કામ કરે છે.

જાતને રક્ષણ આપવાની આ વૃત્તિ ભયમાંથી જન્મે છે. કોઇ પોતાની સાથે સંબંધ તોડી નાખે એ પહેલાં પોતે જ સંબંધ તોડીને નીકળી જવું. કોઇ પોતાને નકારે તે પહેલાં પોતે જ સામેની વ્યક્તિને નકારી દેવી. કોઇ પોતાને ચાહતું નથી એવી નિરાશા જન્મે તે પહેલાં પોતાને પ્રેમમાં, ચાહનામાં, સંબંધોમાં વિશ્વાસ નથી કહીને છટકી જવાની વૃત્તિ ખરેખર તો માણસના મનની આસપાસ રચાતું એક ઇન્સ્યુલેશન છે. જે એને એકલો પડતો અટકાવે છે-એવું માણસ માને છે.

એકલા પડી જવાની આ પરિસ્થિતિ બીજા લોકોને કારણે ઊભી થઇ હોય ત્યારે એ સ્વીકારવી અઘરી બને છે. કોઇ આપણને તરછોડી કે છોડી જાય એ વાત સ્વીકારવાની આપણામાં તૈયારી હોતી નથી. આપણને લાગે છે કે આ દુનિયામાં એવો કોઇ માણસ છે જ નહીં, જે આપણને નકારી શકે. જે ક્ષણે આવો કોઇ માણસ મળી જાય અથવા જીવનમાં આવી પરિસ્થિતિ આવી જાય ત્યારે એકલતા અસ્વીકાર્ય પરિસ્થિતિ બને છે. અહમ્ને અકબંધ રાખવા માટે આપણે નકારવાની પ્રક્રિયા શરૂ કરીએ છીએ. જે ધીમે ધીમે વધુ એકલતા તરફ ધકેલે છે.

સંબંધો તૂટી જાય અને એકલતા ઘેરી વળે ત્યારે સમજાય છે કે સંબંધો ટકાવવા માટે આપણે કોઇ પ્રયત્ન કર્યો જ નહોતો. એક વાર એકલતાના અનુભવમાં પ્રવેશીએ પછી એક નવો એક્સ્ટ્રિમ (અંતિમ વિચાર) પ્રવેશે છે. જે રીતે જીવતા હતા તે, શહેર અને કામધંધા સહિત ક્યારેક મિત્રો કે પ્રિયજનને પણ પોતાની જિંદગીમાંથી બહાર ફેંકી દેવાની ઇચ્છા થઇ જાય છે. આનું કારણ આપણી અંદરનો અહંકાર છે, જે કહે છે કે, ‘કોઇ આપણને શું નકારી શકે, આપણે જ બધાને નકારી દઇએ.’ આ પરિસ્થિતિ જોખમી છે કારણ કે આ બધું બદલવાથી અંદરનો ખાલીપો બદલાશે નહીં એ નકકી છે.

મોટા લેખકો, અભિનેતા, સરકારી પદ પર રહેલી વ્યક્તિઓ કે મિનિસ્ટર્સ જ્યારે સફળતાના શિખરે કે સત્તાના સર્વોચ્ચ પદે હોય છે ત્યારે એમની આસપાસ લોકોની ભીડ હોય છે. પદ કે સફળતા ઓસરી જાય ત્યારે પ્રશંસકો કે ચમચાઓ આસપાસથી ખસી જાય, એ વખતે ખાલીપાનો અનુભવ એમને તોડી નાખે છે. આનું કારણ કદાચ એ છે કે એમણે એ ટેમ્પરરી અનુભવ-કામચલાઉ પરિસ્થિતિને કાયમી માની લીધી. માણસમાત્રનું અસ્તિત્વ કાયમી નથી. સંબંધો, સફળતા, સત્તા કાયમી નથી. જે આ સ્વીકારી શકે છે એ પરિસ્થિતિ સાથે બદલાવાની સ્થિતિસ્થાપકતા ધરાવે છે. જડ થયેલાં મન કે હૃદયને એકલતાના હથોડા તોડી નાખે છે.

‘વિપશ્યના’ની અધ્યાત્મિક અપલિફટિંગની પ્રક્રિયામાં મૌનનું મહત્વ સમજાવવા એક જ ઓરડામાં રહેતા બે જણાને એકબીજા સાથે વાત ન કરવાની સૂચના આપવામાં આવે છે. એક ઓરડામાં કેટલાક દિવસ સાથે રહેનારા બે જણા એકબીજાની હાજરી છતાં મૌન રહેતાં શીખી જાયે ત્યારે એમને ‘એકલતા’માંથી ‘એકાંત’ તરફ જવાની લાગણી સમજાય છે. આસપાસના લોકોથી જાતે જ અલગ થવાની શરૂઆત થાય ત્યારે એક સોલિટ્યુડનો અનુભવ થાય છે.

આ સોલિટ્યુડ માણસને પોતાની નજીક લઇ આવે છે. ઘોંઘાટમાંથી નીકળીને વિચાર કરતાં શીખવે છે. માણસ વાત કરવાને બદલે વિચાર કરતો થાય છે ત્યારે એની એકલતા એકાંતમાં બદલાઇ જાય છે. પસંદ કરેલું એકાંત અને પરાણે ઠોકી બેસાડાયેલી એકલતામા ફેર છે. ઠોકી બેસાડાયેલી એકલતા આત્મહત્યાનો ધીમો ડોઝ છે, જ્યારે જાતે પસંદ કરાયેલું એકાંત વધેલા વર્ષોને આનંદથી જીવવાની જડીબુટ્ટી!

Kindly Bookmark and Share it:

0 comments:

|| જય શ્રી કૃષ્ણ ||. મિત્રો અમે તમારા પ્રતિભાવો જાણવા માટે આતુર છીએ તમારા પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્ષ મા લાખો.

Gujarati all type of content

Related Posts Plugin for WordPress, Blogger...
 
© 2010 G4Gujarati Template by My Blogger Tricks